ઈસરો 2019 – ગગનની ઊંચાઈ આંબશે ગગનયાન અને ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ

1962માં સ્થાપિત ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) ભારતનું અંતરિક્ષ તરફ પહેલું પગલું કહી શકાય. ડો. વિક્રમ સારાભાઈના માર્ગદર્શન હેઠણ ઈન્કોસ્પારએ તિરૂવનંતપુરમમાં તુમ્બા ઈકવિટોરીલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન સ્થાપ્યું. તેના પછી 1969માં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન (ઈસરો)નું ગઠન થયું. અંતરિક્ષ વિજ્ઞાન દેશની પ્રગતિ અને ભવિષ્ય માટે જરૂરી છે, એની ડો. સારાભાઈને સારી રીતે જાણ હતી અને ઈસરોનું માર્ગદર્શન કરવામાં એમનો મોટો ફાળો રહ્યો. ઈસરોએ હમેશા અંતરિક્ષ વિજ્ઞાનનો ઉપયોગ દેશ અને દેશવાસીઓના હિતમાં કર્યો છે અને આ જ કારણે તેમની પાસે સારી સંખ્યામાં સંચાર ઉપગ્રહો છે. તો ચાલો જોઈએ 2019માં ઈસરો કેટલી ઉંચાઈએ પહોંચશે!

મંગળયાનને મંગળની ભમણકક્ષામાં પહેલી જ વારમાં સફળતાપૂર્વક મુકવાને વિશ્વ માને જ છે, પણ આ સિવાય ભારતે માનવીને અંતરિક્ષમાં મોકલવા માટેના ઉપગ્રહોનું પરીક્ષણ પણ કર્યું છે. ગયા અઠવાડિયે ઇસરોએ જાહેરાત કરી કે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ લગભગ માધ્ય-એપ્રિલમાં કરવામાં આવશે અને સિવાય ઈસરો માનવીને સ્વદેશી અંતરિક્ષયાન મારફત અવકાશમાં મોકલવાની તૈયારી 2021ના અંત સુધી પૂરી કરશે. આ પ્રોજેક્ટનું નામ ‘ગગનયાન’ છે અને અવકાશયાત્રીઓની ટીમમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થશે.

ઇસરોના ચેરમેન કે. સિવનના મુજબ “ચંદ્રયાનના પ્રક્ષેપણની તારીખ 25 માર્ચથી એપ્રિલના અંત સુધીની છે પણ, અમારો લક્ષ્ય એપ્રિલ અંત જ રહેશે.” તેમણે એક પ્રશ્નના જવાબમાં ઉમેર્યુ, “જો અમે એપ્રિલ ચૂકી જઇશું તો પછી પ્રક્ષેપણની ડેટ જૂનમાં ગોઠવવામાં આવશે, પણ છતાં અમારો લક્ષ્ય તો એપ્રિલ અંત જ છે.”

ચંદ્રયાન – 2

ચંદ્રયાન 2ની કિંમત લગભગ રૂં 800 કરોડ છે અને આ યાન ચંદ્રયાન 1નું વિકસિત રૂપ હશે, જેમાં ઓર્બીટર, લેન્ડર અને રોવર હશે. અંતરિક્ષયાનમાંથી લેન્ડર છુટ્ટુ પડશે અને પૂર્વનિર્ધારિત જગ્યાએ નિયંત્રિત ગતિથી ચંદ્રની સપાટી પર ઉતારશે. આ ઉપરાંત, લેન્ડરમાંથી 6 પૈડાં વાળું રોવર જુદું થઈને આસપાસની ચંદ્રની માટીનું નિરીક્ષણ કરી માહિતી ઓર્બીટર મારફત ધરતી પર મોકલશે.

3290 કિલોગ્રામનું ચંદ્રયાન-2 અંતરિક્ષયાન એ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને વૈજ્ઞાનિક ઉપકરણોના મદદથી રિમોટ-સેન્સિંગ કરશે અને રોવર ચંદ્રની સપાટી પર રહીને માટીનું નિરીક્ષણ કરશે. ચંદ્ર સુધી પોહોચવામાં 35 થી 40 દિવસનો સમય લાગશે અને અંતરિક્ષયાનને બ્રાહ્મણકક્ષામાં 6 ફેરફાર કરવા પડશે, આવું વૈજ્ઞાનિક કે. સિવને જણાવ્યું.  

ચીનના અંતરિક્ષ કાર્યક્રમ પર ટિપ્પણી કરતા સિવને કહ્યું કે ચીને તેના ચંદ્ર પર મોકલેલા યાનને ચંદ્રની બીજી બાજુ પર ભલે મોકલ્યું, પણ આપણે રોવરને ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર ઉતારવાના છે, જ્યાં આજ સુધી કોઈએ યાન નથી ઉતાર્યું. તેમને ઉમેર્યું કે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર બરફ અથવા પાણીના હોવાની ખરાઇ ચંદ્રયાન-1એ કરી હતી અને તેને પુરવાર ઠરાવવા રોવર મદદરૂપ ઠરશે.

ટૂંકમાં, 2019-2020 ઈસરો માટે ફળદાયી રહેશે અને ભવિષ્યના અંતરિક્ષ અનુસંધાનમાં અત્યંત મહત્વના રહેશે.

Leave a Reply