કોલકાતા સિટી ગાઈડ – ક્યાં ફરવું, શું ખાવું?

મારી વાત માનો તો જીવનમાં થોડો સમય જો પોતાના સાથે વિતાવવા માંગતા હોય તો કોલકાતા જરૂરથી જાજો. મને તો કોલકાતા ઉર્ફે કલકત્તા શહેરથી પ્રેમ છે. શહેર હોવા છતાં ત્યાંનું જીવન ધીમું પણ બીજા શહેરો જેટ્લુજ મજેદાર છે. કોલકાતા ભારતનું એક માત્ર એવું શહેર છે જ્યાં હાજી સુધી ટ્રામનો ઉપયોગ થાય છે.

કોલકાતા ભલે એકવીસમી સદીમાં આવી ગયું હોય પણ તમે એ શહેરમાં જશો તો તમને એમ કે ના જાણે કેટલાક વર્ષ પાછળ જતા રેહશો. કોલકાતાના લોકો, ત્યાંનું જીવન અને રહેણી-કરણી પ્રેમાળ છે. ત્યાંની બોલી મીઠી અને વ્યવહારમાં આત્મીયતા છલકાય છે. પણ આ બધી તો થઇ મારા અનુભવની વાત, ચાલો તો હું તમને લઇ જઉં પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતા અને બતાવું કે ત્યાં તમે જશો તો શું જોવું જોઈએ અને શું કરવું જોઇએ!

કોલકાતામાં ઘણી બધી જગ્યાઓના નામ હજી બ્રિટિશ કાળના છે, જેમ કે સ્પ્લેનેડ, સોલ્ટ-લેક, પાર્ક સ્ટ્રીટ, લન્ડન સ્ટ્રીટ વગેરે અને તેમજ ત્યાંના ઘણા બાંધકામને જોઈને એમ જ લાગે કે હજી બ્રિટિશ અહીંયા છે.

ભારતની સાંસ્કૃતિક રાજધાની કોલકાતા બંગાળી સાહિત્ય, રમતગમત અને સમાજ સુધારકો માટે પણ ઓળખાય છે. સર રવીન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહન રાય, સુભાષચંદ્ર બોઝ, વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ, ફિલ્મકાર સત્યજિત રે અને કેટલાય મહાનુભાવો બંગાળથી સંબંધ રાખે છે. આજના મોર્ડન જમાનામાં પણ કોલકાતા અન્ય શહેરોથી પાછળ નથી. ક્રિકેટના ક્ષેત્રમાં સૌરવ ગાંગુલીનું નામ કેવી રીતે ભુલાય અને ભારતનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ – ઈડન ગાર્ડન પણ કોલક્તામાં જ છે.

રસ્તા પર દોડતી ટ્રામ અને એમ્બેસેડર ગાડી જોઈને માનો લાગતુ જ નથી કે આપણે 21મી સદીના શહેરમાં છે. પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીયે તો કોલકાતા પાસે આ વાતનો કોઈ અભાવ નથી. ટ્રામનો ઉલ્લેખ કરાયો છે. આ સિવાય, સાયકલ રીક્ષા, સિટી બસ, ખાનગી અને સરકારી ટેક્સી, સર્કિટ રેલવે અને મેટ્રો રેલ પણ ઉબલબ્ધ છે અને હુબલી (ગંગા) નદીને પાર કરવા નાની સ્ટીમરનો પણ ઉપયોગ લોકો કરે છે. પણ જો શહેરમાં ફરવાનો આનંદ ખરેખર લેવો જ હોય તો ટ્રામમાં સવારી જરૂરથી કરજો. ધીમી ગતિ અને પોતાની જ મસ્તીમાં ચાલતી કોલકાતા ટ્રામ શહેરના જૂના ભાગો લઇ જશે અને ખાસ કરી કોલેજ સ્ટ્રીટ અને નજીકના સ્થાન પર જરૂરથી જજો,

લગભગ બધા જ પ્રકારના પ્રવાસીઓ માટે કોલકાતા એક ચોક્કસ ફરવા જવા જેવું શહેર છે. ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે વિક્ટોરિયા મેમોરિયલ, ફોર્ટ વિલીયમ, મધર હાઉસ અને બરાકપોર મહત્વના સ્થળો છે. જયારે ધાર્મિક સ્થળોમાં રસ ધરાવતા લોકો માટે સેન્ટ પોલ કથીડ્રલ, બિરલા મંદિર, કાલીઘાટ મંદિર અને નાખોડાં મસ્જિદ જેવા સ્થળો છે. આ સિવાય હાવડા બ્રિજ, બેલુર મઠ, સાયન્સ સિટી, તાજપુર, રબીન્દ્ર સરોવર, પ્રિન્સેપ ઘાટ અને પાર્ક સ્ટ્રીટ જેવા સ્થળો ચૂકવા જેવા નથી.

ફરવા માટે કોલકાતા આવ્યા હો અને બંગાળી મીઠાઈ ચાખ્યા વિના યાત્રા સફળ ક્યાંથી થાય? અને પહેલું નામ જે ધ્યાનમાં આવે એ છે – રસગુલ્લા, જેને “રોષોગુલ્લાં” પણ કેહવાય. આ સિવાય મિષ્ટી દોઈ, સોનદેશ, કલાકંદ, ચોમ-ચોમ અને છેના (ફાડેલા દૂધ)ની મીઠાઈ જરૂરથી ચાખજો અને તમારા મિત્રો માટે પણ લઇ આવજો. પછી આવે સ્ટ્રીટ-ફૂડની વાત, તો ભાઈ કોલકાતા તમને એમાં પણ નિરાશ નહિ કરે. કાઠી રોલ, પુચકા (પાણીપુરી) અને જાલ મુળી (તીખા મમરા) ચાખ્યા વિના તમારી યાત્રા અસફળ રહેશે. આ તો થઇ શાકાહારી વાનગીઓ, પણ જો તમે નોન-વેજ ખાવા માંગતા હો તો કોલકાતા પાસે ઘણી વાનગીઓ ઉપલબ્ધ છે. મુગલાઈ અને બંગાળી નોન-વેજ વાનગીઓ જેમ કે માછલી, મટન અને પરાઠા અને બિરિયાની ખાધા પછી તમે આંગળા ચાટતા રહી જશો.

ખાન-પાન અને હરવા-ફરવા પછી આપણે કોલકાતા શહેરને તેના સાંસ્કૃતિક ભાવથી પણ પારખી શકાય. આમ તો કોલકાતા ફરવા માટે વર્ષમાં ક્યારેય પણ આવી શકો છો પણ ઉનાળાના મોસમમાં અહીંયા બહુ જ ગરમી હોય છે. પણ જો તમને આ શહેરને તેના મસ્તીમય રંગમાં નિરખવો હોય તો ભાઈ દુર્ગા પૂજા સિવાય બીજો કોઈ સમય નથી. આખું શહેર જાણે દુર્ગા માંની ભક્તિમાં રંગાઈ જાય, શહેરનો ખૂણે-ખૂણો માં દુર્ગાના મંડપથી સજેલો હોય અને શહેરનો મિજાજ અનેરો હોય છે. ચાર દિવસના આ ઉત્સવમાં કોલકાતાના બધાજ રંગોનો આનંદ માણી શકો છો. દશેરા અથવા બિજોયદશમી ના દિવસે આખું શહેર ઝાલરની ધૂન અને ગુલાલના રંગમાં રંગાઈ જાય. આ અનુભવવા માટે કોલકાતા આવવું જરૂરી છે.

કોલકાતા કેવી રીતે પહોંચવું?

હાઈવે – પશ્ચિમ બંગાળનું પાટનગર હોવાના કારણે કોલકાતા નેશનલ હાઈવે 53ના માધ્યમથી પહોંચી શકાય

રેલ – ભારતના બધાં જ મોટા રેલવે જંક્શનથી આપને કોલકાતા પહોંચવા માટે ટ્રેન મળી જશે. કોલકાતા આવવા માટે હાવડા અથવા સિયાલદાહ રેલવે સ્ટેશન માટે ટ્રેન રિઝર્વેશન કરાવી.

વિમાન – નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક દેશ અને વિદેશના મોટા એરપોર્ટથી જોડાયેલું છે.

Leave a Reply