Tik Tok પર જો પ્રચાર થઇ શકે તો… કદાચ પ્રતિબંધનો નિર્ણય બદલાઇ જાય!

મુંબઇ: ગત ગુરુવારનાં રોજ મદ્રાસ હાઇકોર્ટ દ્વારા બહુચર્ચિત અને વિખ્યાત એવી એપ્લિકેશન Tik-Tok પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે તમિલનાડુમાં પ્રતિબંધનો આદેશ આપ્યો છે.

આ Tik-Tok એપ પર પ્રતિબંધ મૂકવા માટેનું સૌથી મોટું અને અગત્યનું કારણ આપતાં હાઇકોર્ટે જણાવ્યું કે તે ચાઇલ્ડ પોર્નોગ્રાફીને પ્રોત્સાહન આપે છે. પરંતુ, આ મુદ્દાનું જો વિસ્તરણ કરીએ તો ખરેખર ચાઇલ્ડ પોર્નોગ્રાફી નહીં, પરંતુ ચાઇલ્ડ એન્ટરટેઇનમેન્ટ લેબરને પ્રોત્સાહન આપે છે એમ કહી શકાય. કારણકે માર્કેટમાં અત્યારે જેટલી પણ શોર્ટ-વિડીયો એપ્લિકેશન છે, દરેકના પોતાના ખાસ નિયમો હોય છે, જે સમાજ અને લોકોને ધ્યાનમાં રાખીને બનાવાયા હોય છે. હા, અમુક સાવ નકામી એપ પણ છે, પરંતુ Tik-Tok હજી એ કેટેગરીમાં નથી આવી.

આ પહેલાં ગુજરાતમાં ઘણાં શહેરોમાં PUBG પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે લગભગ યોગ્ય નિર્ણય છે. કારણકે તેની કેટલીક આડઅસરો અને નકારાત્મક અસરોનાં ઘણાં સમાચાર આપણે વાંચ્યા હતા. જોકે, Tik-Tok એક આખી અલગ જ ફોર્મેટની એપ છે, જેમાં તેઓ ટેલેન્ટ અને મનોરંજનને પ્રોત્સાહન આપે છે. હા, હવે આ એપ પર પણ age restriction મૂકવામાં આવ્યું છે, સાથે જ તેઓ ખાસ ધ્યાન આપે છે કે કોઇપણ વાયોલેન્સ કે અબ્યુઝીવ કન્ટેન્ટ ન જાય. કારણકે જો ક્યાંક તેમનાથી ચૂક થઇ ગઇ, તો તેમના અસ્તિત્વ પર વાંધો આવી શકે છે અને Tik-Tok ને ભારત જેવું મોટું માર્કેટ ગુમાવવું પોસાય નહીં.

ચાઇલ્ડ પોર્નોગ્રાફી ફક્ત Tik-Tok પર જ?

જ્યારે આપણે ચાઇલ્ડ પોર્નોગ્રાફીની વાત કરીએ ત્યારે જોવું રહ્યું કે ડિજિટલ બુમનાં આ જમાનામાં પોર્નોગ્રાફી દરેક વ્યક્તિ માટે એકદમ હાથવગી છે. ભલે એક સર્વિસ પ્રોવાઇડરે તેના પર રોક મૂકી હોય, પરંતુ હજી પણ તમને તે સરળતાથી મળી જ જાય છે. સાથે જ હવે જ્યારે જનરેશન એકદમ ઝડપથી બધુ શીખી રહી છે, ત્યારે પોર્નોગ્રાફી અને સોફ્ટ પોર્નોગ્રાફીની વ્યાખ્યા જરાક બદલવી પડે એવું જણાઇ રહ્યું છે. કારણકે ટીવી સિરીઝથી માંડીને વેબ સિરીઝ અને મુવીઝમાં પણ ક્યાંક ને ક્યાંક એક સીન એવો હોય જ છે, જેમાં બધુ દર્શાવાય છે. ત્યારે એ વસ્તુ બાળકને અસર ન કરે, તેવું આપણે ન કહી શકીએ.

બીજી વાત કે ફેસબુક અને ટ્વીટર જેવા પ્રાઇમ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર પણ છૂટી-છવાઇ માત્રામાં અપશબ્દો અને વલ્ગારિટી તો જોવા મળે જ છે. તો એમના પર પ્રતિબંધ મૂકવા માટે સરકાર કેમ કટિબદ્ધ નથી થઇ રહી? (જો એના પર પણ પ્રતિબંધ મૂકાય તો ચૂંટણી-પ્રચાર પર પણ અસર પડે ને) માટે અહીં લોકોએ પણ ખાસ વિચારવા જેવું છે કે દરેક વખતે એક વસ્તુ કે વ્યક્તિનો વિરોધ શરૂ થાય, તો એમાં તરત જોડાવાને બદલે પોતાના દિમાગમાં રહેલા તંતુઓને ઝંઝોળીને, થોડું મનોમંથન કરીને પરિસ્થિતિ ચકાસવી જોઇએ.

બીજી મહત્વની વાત એ છે કે જેટલી પણ ચાઇના બેઝ્ડ એપ છે, તેનો ખાસ વિરોધ હમણાંથી વધુ થઇ રહ્યો છે. ત્યારે પ્રશાસને ધ્યાન રાખવું કે દુશ્મની એક તરફ છે અને વ્યાપાર અને આર્થિક જરૂરિયાતો બીજી તરફ છે. આપણો દેશ હજી પણ ટેક્નોલોજી બાબતે ધીરે-ધીરે આગળ વધી રહ્યો છે, ત્યારે પ્રતિસ્પર્ધામાં ઉતર્યા વગર સાથે ચાલીને પણ વિકાસ કરી શકાય.

Leave a Reply