બોલો, આવી બેંક આપણે ત્યાં હોય તો દેવાળું ફૂંકાઇ જાય!

યુક્રેનની એક બેંક… ધ્યાનથી સાંભળજો હોં, યુક્રેન કે જે રશિયાને અડીને આવેલો બહુ મોટો નહીં-બહુ નાનો નહીં એવો દેશ છે, ત્યાંની એક બેંક છે, મોનો બેંક. આ બેંકના ત્રણ CEO દ્વારા એક સ્કીમ લાગુ કરવામાં આવી છે, જે ત્યાંના નાગરિકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવી છે.

મોનો બેંકની આ સ્કીમ અંતર્ગત જે ખાતાધારક રોજના 10000 પગલાં ચાલશે, તેના એકાઉન્ટ પર 21% વ્યાજ એટલે કે અન્ય લોકોથી વધારે વ્યાજ આપવામાં આવશે. છે ને મજાની વાત! આટલું રેટ ઓફ રિટર્ન તો મ્યુચ્યુઅલ ફંડ પણ નથી આપતું. સાથે સાથે બેંક તેની એપ દ્વારા રોજ મોનિટર કરે કે ખાતાધારક કેટલા ડગલા ચાલ્યા! આ થોડી પપ્પાનું રાજ ચાલે છે કે તમે કહી દો કે હું વડાપ્રધાનનાં ગામથી છું તો બેંક વ્યાજ જમા કરશે? ના, બિલકુલ નહીં. એ માટે બેંક દ્વારા એક એપ મોનિટર કરવામાં આવે છે, જેમાં બધી માહિતી સ્ટોર થાય છે અને તેનું એનાલાઇઝ થાય છે. જો કોઇ વ્યક્તિ અઠવાડિયું ચાલે અને પછી બંધ કરી દે, તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ પાછો 11% એટલે કે નોર્મલ પોઝિશન પર આવી જાય છે.

હવે આ સ્કીમનો હેતુ જાણો: ભારતમાં જેટલી ઝડપે વસ્તીવધારો થઇ રહ્યો છે, તેટલી ઝડપે યુક્રેનમાં મેદસ્વી લોકોમાં વધારો થઇ રહ્યો છે. માટે નાગરિકોની હેલ્થ જળવાય અને ઇકોનોમી પણ જળવાય અને સરવાળે બેંકનો ધંધો પણ જળવાય, એવી થ્રી-ઇન-વન આ સ્કીમ મોનો બેંકના CEO લઇ આવ્યા છે.

પરિણામે, હવે યુક્રેનના લોકો રોજ સવાર-સાંજ ચાલવા લાગ્યા છે અને વધુ વ્યાજ ભેગું કરવા લાગ્યા છે. હાળું કેવું છે નહીં, અહીં આપણે જૂની નોટો આપવા સવાર-સાંજ લાઇનમાં ઊભા રહ્યા ને ત્યાં લોકો વધારે વ્યાજ લેવા સવાર-સાંજ ચાલે છે! આ પૈસો જ બધો ખેલ કરાવે છે, બોસ!

તમે રોજ 10,000 પગલાં ચાલી શકો?

જો રોજ 10,000 પગલાં ચાલો એટલે અંદાજે સરેરાશ તમે રોજનું 7થી 8 કિલોમીટર ચાલો છો. એટલે ગણોને, કાંકરિયાના ત્રણ રાઉન્ડ, રિવરફ્રન્ટ પર પાલડીથી વાડજ અથવા તો આખે-આખો આશ્રમ રોડ! (ખાસ હૈદરાબાદનાં મિત્રો માટે, રામોજીનાં ગેટથી ઓફિસ સુધી ચાલો એટલું)

તો આમ, રોજ 10,000 ડગલાં ચલો ધારીએ તો તમે ભારત જેવા દેશમાં ચાલી શકો. પરંતુ, યુક્રેનની આબોહવા કંઇક અલગ જ મિજાજની છે. ગુગલ પર મેં જોયું તો અત્યારે માઇનસ 4 ડિગ્રી છે, એટલે ધારો તો સામાન્ય 25 થી 30 ડિગ્રી જતું હશે. તો આટલી ઠંડીમાં ચાલવું અને આટલું બધું ચાલવું, થોડું અઘરું તો છે જ! ભારતમાં નહીં હોં, યુક્રેનની વાત છે.

બાકી, આપણે ત્યાં તો ઘણી પ્રાઇવેટ બેંક છે. એ જો ડિફોલ્ટર્સને ધમાધમ લોન આપવાની જગાએ આવી કોઇ સ્કીમ લોન્ચ કરે, તો ઘણું ઉપકારક રહેશે. પણ, પહેલું સુખ તે જાતે ભોગવવું હોય, તો આવી કોઇ સ્કીમની રાહ જોવી ખરી?

Leave a Reply