મેરે સપનોં કા વો…ડ્રીમ બોય

કિસી શાયર કી ગઝલ….ડ્રીમગર્લ
કિસી ઝીલ કા કમલ…..ડ્રીમગર્લ

ડ્રીમગર્લ…શું માત્ર છોકરાઓને જ ડ્રીમગર્લ હોઈ શકે? શા માટે છોકરીઓ માટે ડ્રીમબોય શબ્દ જ નથી કે નથી ક્યાંય સાંભળ્યો કે નથી વધુ એના વિશે વાતચીત થતી. ડ્રીમબોયની કલ્પનાઓ કરવી અને જણાવવી શું આ સમાજમાં હજી પણ ગુનો છે? જો સપનાંની પરી આકાશમાંથી ઉતરી આવતી હોય તો સપનાંનો રાજકુમાર દર વખતે પવનવેગી અશ્વ પર જ આવે એવું જરૂરી તો નથી જ ને? ડ્રીમબોય અને ડ્રીમગર્લની કલ્પના કરવામાં આવે તો કોની તસ્વીર સૌથી પહેલા નજર સમક્ષ આવે- પતિપત્નીની કે પ્રેમીપ્રેમિકાની?

એકબીજાની અજાણ્યી નજરો વારંવાર ટકરાવવી, જેને આપણી આંખો હજારોમાં પણ શોધતી હોય, જેની આવવા માત્રની રાહથી તમારી જ ધડકનો તમને જ સંભળાવવા લાગે, જેની હાજરીથી તમને અહેસાસ થાય કે એક ધડકતું દિલ મારી અંદર છે અને ખૂબ જ કિંમતી છે પ્રેમથી છલોછલ અને લાગણીઓથી ભરપૂર અને એમાં ક્યારેય ઓટ ન આવે એવું ઇચ્છતું તમારું ધક ધક કરતું દિલ! આંખ બંધ કરો તો માત્ર તસ્વીર એની દેખાય, દરેક રસ્તા પર આવવાની રાહ એની જોવાય. આંખ બંધ કરો તો સૌથી પહેલી નજર આવતી છબી કયો એવો ભાગ ક્ષણ માટે હલાવી દે છે? એ પ્રેમનો સ્વાદ આખી જિંદગી તરોતાજા રાખી શકે છે પણ આખી જિંદગી જેની સાથે રહ્યા એની એક પલ યાદ કરીને ખુશ થવું અઘરું બની જાય છે.

આજે પણ પોતાનો ભાવિ પતિ કેવો હશે એની પસંદગી કરવાની કે વિચારવાની સ્વતંત્રતા આપણને આપવામાં આવી નથી. જીવનસાથીની પસંદગી નો કળશ આખરે માતાપિતા પર જ ઢોળવામાં આવે છે જે માબાપ વીસ વર્ષોથી જોડે રહેતા પોતાના સંતાનોના મનનો તાગ નથી લગાવી શકતા કે નથી એના મનમાં નથી ઝાકી શકતા કે એના પુત્રને શું જોઈએ છે ને શુ હું આપું છું? તો જીવનસાથીની પસંદગી નસીબના ભરોસે કેવી રીતે કરી શકાય? પાછળથી છૂટાછેડા થાય એના કરતાં શુ જરુરી છે કે સાથે રહીને જોવું કે આ પાત્ર સાથે જીવી શકાશે કે નહીં?

કુળ-ગુણ અને સંપત્તિ જોઈને થતા લગ્નો માં મનમેળો કરવાનું કેટલા વિચારે? તો એવું જ હોત તો છૂટાછેડાનું કારણ જીવનસાથીના અસંતોષ કરતા વધુ સંપત્તિ હોત. બે વ્યક્તિ સાથે રહી શકશે એનો નિર્ણય સમાજ એ લગ્ન સંસ્થા નામનો સિક્કો મારીને કરે છે શું આ સંસ્થા બે વ્યક્તિને આત્મા અને મનથી જોડી શકે છે? જો એવું જ હોત તો લગ્નબાહ્ય સંબંધો ન હોત અને ડિવોર્સનું પ્રમાણ વધતું ન હોત અને ચહેરા પર બીજો ચહેરો લગાવવાની જરૂર પડી ન હોત. જો આત્મા, મન અને તનથી માત્ર બે વ્યક્તિએ જ જિંદગી જીવવાની અને માણવાની હોય તો લગ્ન નામની સંસ્થાની જરૂર છે ખરી? કોઈ વ્યક્તિના આવવાથી સાથે જીવવાનું નક્કી કરવું તે લગ્ન કે ઉમર થઈ ગઇ એટલે કરવા પડતા ગોઠવાતા લગ્ન? બંન્ને માં તફાવત કેટલો?

ઘોડિયામાં રહેલા બાળકના જન્મ સાથે શરૂ થતી જીવનની યાત્રા, સમય સાથે બદલાતા માણસો અને નિર્ણયો, કરિયરની દોડમાં પોતાની વ્યક્તિને ખોઈ નાખ્યાનો થતો વસવસો ને દિલનો ખાલી રહી જતો એક હિસ્સો, માબાપની પસંદગી સાથે ગોઠવાતા લગ્ન અને રોજિંદી ઘરેડની માફક જીવાતી સલામત જિંદગી અને છેલ્લે રાહ જોતું સમયનું કાલચક્ર એટલે મૃત્યુ. સલામત જિંદગીની શોધમાં કંઈક છોડતા રહ્યા, આપણાથી આપણે દૂર થતાં રહ્યા પણ એક વાત ન સમજાઇ કે અસલામતી જ અંદરથી કંઇક બહાર લાવે છે કઈક નથી એને શોધવા માટેની દોડ કદાચ સુતેલી શક્તિઓને બહાર લાવે છે . કંઇક મેળવવા કંઇક ઘસાય છે ધાર ત્યારે જ નીકળે છે. બધું જ છે આ જિંદગીમાં. પણ કંઇક છૂટું ગયાનો અફસોસ પણ સાથે જીવાતો જાય છે. જે નથી ત્યાં વગર શરીરે પહોંચી જવાય છે અને જ્યાં રહેવાનું હોય ત્યાં જ ચૂકાઈ જાય છે છે. પ્રેમથી તરી જરૂર શકાય છે પણ એ પ્રેમમાં ડૂબવા માટે પણ તાકાત તો જોઈએ જ ને.

એવી તે કંઈ તરસ છે જે બધું મેળવી લીધા પછી પણ અધૂરી રહે છે ?? ઈશ્વર પાસેથી મળેલું આ શરીર , પોતાના આયુષ્યના આંકડાંથી અજાણ ઇન્સાન, જીવવા મળેલી એક માત્ર જિંદગી – કદાચ બહુ ઓછી છે બધું કરી લેવા માટે.

જિંદગી એટલે જીવી લેવી કે વિતાવી દેવી- આના પછી એક પ્રશ્ન ઉભો થાય કે કોની સાથે જીવી લેવી અને કોની સાથે વિતાવી દેવી.

જીવી રહ્યો છું અને જીવી જાણું છું, મનગમતું સુખ અને અનાયાસે મળી આવેલું સુખ, ખુશ રહી શકત અને ખુશ રહી શકું છું, જિંદગી ક્યાં ખર્ચ કરું અને કોની પાછળ ખર્ચ કરું, આપણા સુખનો દોરો બીજાના હાથમાં બાંધી દુઃખી થવું કે બીજાની ખુશીનું કારણ પોતે બની સુખી થવું એ બધી વાતો ક્યાંક ને ક્યાંક જીવનના પાને પાને ક્યાંક જીવતી જાય.

Leave a Reply