ભોપાલ સીટ પરથી સાધ્વી પ્રજ્ઞા લડશે ચૂંટણી

ભોપાલ: દેશનાં હ્રદય સમાન રાજ્ય મધ્યપ્રદેશની ભોપાલ સીટ પર ઉમેદવાર અંગે અસમંજસ હતી. ત્યારે આજરોજ ભાજપમાંથી સાધ્વી પ્રજ્ઞા સિંહનું ચૂંટણી લડવાનું નક્કી થઈ ગયું છે. બુધવારે સાધ્વી પ્રજ્ઞા ભાજપમાં સામેલ થઈ ગયા છે. અહીં સાધ્વી પ્રજ્ઞા પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

સાધ્વી પ્રજ્ઞાનાં ભાજપમાં જોડાયા બાદ ભાજપે આજે મધ્યપ્રદેશની ચાર સીટ માટે નામ જાહેર કરી દીધા છે, જેમાં સાધ્વી પ્રજ્ઞાનું નામ ભોપાલ સીટ પર ફાઈનલ થઈ ગયું છે. ભાજપમાં જોડાયા બાદ સાધ્વીએ કહ્યું હતું કે, હું ચૂંટણી લડીશ અને જીતીને બતાવીશ. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તેમને કોઈ જ સમસ્યા નથી, કારણકે તેઓ ધર્મ પર ચાલે છે. ‘મારી સાથે જે પણ થયું છે તે બતાવીશ,’ તેવું તેમણે ઉમેર્યુ હતું.

આ જ સીટ પર કોંગ્રેસે દિગ્વિજય સિંહને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભોપાલ સીટની આ ટક્કર મહત્વની બની રહેશે. મહત્વનું છે કે, સાધ્વી પ્રજ્ઞા મધ્યપ્રદેશમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ્યા છે. પરિવારને ધ્યાને રાખી તેણે વિશ્વ હિન્દુ પરિષદમાં સામેલ થવાનું નક્કી કર્યું હતું. બાદમાં તેણે સંન્યાસ લઈ લીધો હતો. 2008માં માંલેગાવ બોમ્બ બ્લાસ્ટમાં શંકાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ, હાલમાં તે દોષમુક્ત છે.

Leave a Reply