…અને હાર્દિકને જાહેર સભામાં લાફો પડ્યો!

સુરેન્દ્રનગર: આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ગુજરાતનાં યુવા નેતા હાર્દિક પટેલ જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. આ સંદર્ભે આજરોજ હાર્દિક પટેલે સુરેન્દ્રનગરમાં રેલી સંબોધી રહ્યો હતો, ત્યારે સ્ટેજ પર એક આધેડ વયના વ્યક્તિએ હાર્દિક પટેલને તમાચો ઝીંકી દીધો હતો. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો.

આ પહેલાં સુરેન્દ્રનગરના વઢવાણના બલદાનમાં હાર્દિક પટેલે રેલી યોજી હતી, ત્યારે હાર્દિક પટેલ નાગરિકોને સંબોધી રહ્યો હતો અને અચાનક એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી આવ્યો. હાર્દિક સામે આવીને એકદમ તમાચો ઝીંકી દીધો હતો, જેનાથી હાર્દિક સહેમી ગયો હતો. આ વ્યક્તિ કોણ છે તે અંગે હજુ જાણી શકાયું નથી. આ લાફો મારનાર વ્યક્તિએ હાર્દિક પર શહીદ થયેલા 14 જેટલા પાટીદારોના મૃત્યુ માટે હાર્દિક પટેલને જવાબદાર ગણાવતાં લાફો ઝીંક્યો હતો.

આ મામલે કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલે કહ્યું કે આજે બપોરે આ મામલે કોંગ્રેસની બેઠક મળશે અને જવાબદાર સામે જે પગલાં લેવા પડશે, તે લેવામાં આવશે. હિમાંશુભાઈએ આરોપ લગાવ્યો કે આ ચોક્કસપણે ભાજપનું કાવતરું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ગામના લોકો કહે છે કે સ્થાનિક નથી તો તમે સમજી શકો કે ભાજપના લોકો હાર્દિકને ડરાવવા-ધમકાવવા, મારી નાખવા માટે ભાજપ બધા પ્રયત્નો કરી રહ્યું છે. સાથે જ હાર્દિકે કહ્યું કે આ તો સારું છે કે તેણે લાફો માર્યો, જો હાથમાં બંદૂક હોત, તો મને ઉડાવી જ દેત. આ સાથે જ ભાજપ પર પ્રહાર કરતાં હાર્દિકે કહ્યું કે ભાજપ નથી ઈચ્છતું કે 25 વર્ષનો યુવાન છોકરો ચૂંટણી લડે એટલે આવા નખરા કરે છે. ગ્રામજનો અને તંત્રએ પુષ્ટિ કરી કે તમાચો મારનાર આ વ્યક્તિ સુરેન્દ્રનગરનો સ્થાનિક નહોતો, પરંતુ તે બહારથી આવ્યો હતો. પોલીસે લોકોના ટોળા વચ્ચેથી આ વ્યક્તિને બચાવીને બહાર લઈ ગઈ છે. લોકોના ટોળાએ હાર્દિકને તમાચો મારનાર વ્યક્તિની પણ ધોલાઈ કરી અને તેના કપડાં પણ ફાડી નાખ્યાં હતાં.

જોકે, તે વ્યક્તિને મારી રહેલા ટોળાંને હાર્દિકે તેને માફ કરી દેવાની અપીલ કરતા કહ્યું કે આવા પૈસા લઈને મારવા આવતા લોકો જોડે બબાલ ન કરવી જોઈએ.

Leave a Reply