ગુજરાતના જળાશયોમાં બચ્યું છે ફક્ત આટલું જ પાણી!

ગાંધીનગર: ગુજરાતમાં ભરઉનાળે પીવાના પાણીની સ્થિતિ વિકટ બની છે. એકતરફ સરકાર દ્વારા રાજ્યમાં પુરતુ પાણી હોવાના દાવા કરવામા આવી રહ્યા છે ત્યારે બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે રાજ્યમાં આવેલા 110 જેટલા ડેમોમાં બિલકુલ પાણી નથી. હાલ રાજ્યમાં પાણી માટે નર્મદા એક માત્ર આધાર છે.

પાણીની સમસ્યા ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની સમસ્યા વિકટ બની છે. આંકડાઓ પર નજર કરીએ તો કચ્છમાં આવેલા 20 ડેમોમાં માત્ર 12.52 ટકા જ પાણી બચ્યુ છે. સૌરાષ્ટ્રમાં આવેલા 138 ડેમોમાં માત્ર 9.74 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 15.81 ટકા પાણી બચ્યું છે. તો રાજ્યના 203 ડેમોમાં માત્ર 20.73 ટકા જ પાણી બચ્યું છે.

રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યાં છે. ભરઉનાળે લોકોને પાણી માટે તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. સરકાર દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રના વિસ્તારમાં જોઈએ તો અમરેલી, જામનગર, દ્વારકા, ભાવનગર અને પોરબંદરના ડેમોમાં 15 ટકાથી પણ ઓછુ પાણી બચ્યુ છે. ખેડાના ડેમોમાં પણ 15 ટકાથી ઓછુ પાણી બચ્યુ છે. જ્યારે છોટાઉદેપુર અને બનાસકાંઠાના ડેમોમાં 15 ટકાથી ઓછા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના 177 ડેમોમાં 0 થી 25 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. માત્ર  19 ડેમ એવા છે કે જેમાં 25 થી 50 ટકા સુધીનો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

અત્યારે પાણી માટેનો એક માત્ર આધાર એવા નર્મદા ડેમમાં પાણીનો 51.35 ટકા જથ્થો છે. રાજ્યના બે એવા ડેમ છે જેમાં 50 થી 75 ટકા જ પાણીનો જથ્થો છે. તેથી હવે એ જોવાનુ રહેશે કે સરકાર પાણીની આ વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવા માટે શું પગલાં લે છે.

Leave a Reply