ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો: આ પક્ષે છોડ્યો સાથ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીનો છેલ્લો તબક્કો આવતીકાલે પૂરો થશે, તે પહેલાં સત્તાધારી પક્ષ ભાજપને મોટો ફટકો પડ્યો છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભાજપનાં મહત્વના સાથી પક્ષ નાગા પીપલ્સ ફ્રન્ટે પોતાનું સમર્થન પાછું ખેંચ્યુ છે. નાગાલેન્ડ રાજ્યની મહત્વની પાર્ટી એવી NPFના પ્રવક્તા અચુમબેમો કિકોએ આ જાહેરાત કરી હતી.

નાગા પીપલ્સ ફ્રન્ટ પાર્ટીએ ભાજપનો સાથ છોડવા એક મહત્વનું કારણ આપતાં કહ્યું કે ભાજપ પોતાના સહયોગીઓને તુચ્છ સમજે છે. મણિપુર એન.પી.એફ.ના અધ્યક્ષ અવાંગોઉ નેવઈએ કહ્યું કે ભાજપ રાજ્યમાં સત્તામાં સાથી દળો સાથે ઓરમાયું વર્તન કરે છે. તેમણે કહ્યું કે સરકાર ગઠબંધન બાદ ભાજપે ક્યારેય પણ ગઠબંધનની મૂળ ભાવનાનું સન્માન કર્યુ નથી. જોકે, ભાજપે NPFના આરોપોને નકાર્યા હતાં.

મહત્વનું છે કે, પ્રવક્તા અચુમબેમો કિકોને કહ્યું કે કોહિમામાં NPFના મુખ્યાલયમાં લાંબી બેઠક બાદ પાર્ટીએ આ નિર્ણય લીધો છે. એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા અચુમબેમોએ કહ્યું કે પાર્ટીના કેન્દ્રીય મુખ્યાલયમાં યોજાયેલી બેઠક બાદ સર્વસંમત્તિથી આ નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં મણિપુરમાં હાલમાં ભાજપની સરકાર છે અને ભાજપના નેતા એન. બિરેન સિંહ રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજમાન છે.

આવતીકાલે એટલે કે 19મી મે એ છેલ્લા તબક્કાનું મતદાન યોજાવાનું છે, જેમાં 59 આખરી સીટો પર મતદાન થવાનું છે. સાથે જ આગામી 23મી મે એ પરિણામો પણ જાહેર થવાના છે. ત્યારે આ પગલાંને કારણે ભાજપને અસર થઇ શકે છે.  

Leave a Reply