યુવરાજ સિંહ લેશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ

ભારતને 2 વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટર યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના નિર્ણય પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છે. તાજેતરમાં જ રમાયેલ IPLની 12મી સિઝનમાં પણ યુવરાજ સિંહનું બેટ શાંત રહ્યું હતું, જે પછી હવે યુવીએ સ્વીકારી લીધું છે કે, હવે તેની ભારતીય ટીમ તરફથી રમવાની સંભાવના ઘણી ઓછી છે. એવામાં પંજાબનાં આ ખેલાડીને BCCI દ્વારા સ્વીકૃતિ મળ્યાં પછી કોઈપણ સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.

IPLની 12મી સિઝનમાં યુવરાજ સિંહને મુંબઈ ઈન્ડિયન્સે 1 કરોડની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. ટુર્નામેન્ટની શરૂઆતી મેચમાં યુવરાજને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક પણ મળી હતી. પરંતુ તેનું પ્રદર્શન સારૂ ન રહેતાં તેને ટીમમાંથી બહારનો રસ્તો બતાવીને ઈશાંત કિશનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કદાચ આજ કારણ છે કે, હવે યુવરાજ પોતાના સંન્યાસ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યો છે. યુવરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિર્વૃતિ લઈને વિદેશોમાં રમાતી ICC સ્વીકૃત ટી-20 લીગમાં રમતો જોવા મળી શકે છે. જેના માટે તેણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડશે, સંન્યાસ લીધા પછી જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેને વિદેશોમાં રમાતી ટી-20 લીગમાં રમાવાની અનુમતિ આપી શકે છે.

37 વર્ષીય ખેલાડીએ વિદેશોમાં રમાતી ક્રિકેટ લીગમાં રમાવાની BCCI પાસે મંજૂરી માગી છે. આ અંગે BCCI ના સૂત્રએ PTIને જણાવ્યું હતું કે, યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઘરેલુ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો વિચાર કરી રહ્યો છે. યુવરાજ સંન્યાસ અને જીટી-20 (કેનેડા), યુરો ટી-20(આર્યલેન્ડ), હોલેન્ડની ક્રિકેટ લીગમાં રમવા અંગે BCCIની મંજૂરી માગી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે યુવરાજને BCCI આ અંગે અનુમતિ આપે છે કે કેમ!

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઈરફાન પઠાણે પણ કેરેબિયન પ્રીમિયર લીગમાં રમાવા માટેના ડ્રાફ્ટમાં પોતાનું નામ મોકલ્યું હતું, પરંતુ ઈરફાન પણ પ્રથમ શ્રેણી ક્રિકેટર છે અને તેણે આ અંગે BCCI પાસે મંજૂરી લીધી નથી. જેથી એક રિપોર્ટ પ્રમાણે ઈરફાન પઠાણને કેરેબિયન પ્રિમિયર લીગના ડ્રાફટમાંથી પોતાનું નામ પાછું લઈ લેવાનું કહેવામાં આવ્યું છે.

Leave a Reply