ચોમાસાના પગરણ ધીરે-ધીરે દેશભરમાં- ઘણાં રાજ્યોમાં થઇ શકે છે વરસાદ

મુંબઇ: કેરળનાં તટીય વિસ્તારોમાં તાજેતરમાં સારો એવો વરસાદ પડ્યો હતો, જેના પગલે દેશમાં ચોમાસાના પગરણ થયા છે. એકાદ અઠવાડિયું મોડા પડવાને કારણે ઘણાં વિસ્તારોમાં વરસાદ વિશે વિવિધ આશંકાઓ સેવાઇ રહી હતી, ત્યારે ગતરોજ મુંબઇમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો.

હવામાન ખાતાની આગાહી મુજબ દરિયાકિનારાનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણનાં રાજ્યો સહિત ઓરિસ્સામાં ચોમાસું લગભગ આ સપ્તાહે શરૂ થઇ જશે. ગુજરાતનાં તટીય વિસ્તારોમાં ચક્રવાતની આશંકાને લીધે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. સાથે જ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં ચક્રવાતનો પ્રભાવ બની રહ્યો છે. આના કારણે 12મી જૂન સુધી કેરળનાં કેટલાંક વિસ્તારો સહિત કર્ણાટક અને ગુજરાતમાં વરસાદ આવી શકે છે.

આ પહેલાં રવિવારનાં રોજ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત ઘણાં રાજ્યોનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદે પડાવ કર્યો હતો. પરંતુ, ઉત્તર ભારત અને મધ્ય ભારતનાં રાજ્યો હજીપણ ગરમીથી ત્રસ્ત છે અને વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. જોકે, આ ચોમાસું દેશભર માટે સારું રહેશે, તેવી આગાહીઓ થઇ છે.

Leave a Reply