ગુજરાતમાં જળસંકટ! શું સરકાર પાણી માટે લૂંટફાટ થાય તેની રાહ જુએ છે?

ગાંધીનગર: પાણીની સમસ્યા સમગ્ર ગજરાતમાં વિકટ બનતી જઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા પણ અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામા આવી રહ્યુ છે. એવામાં સમાચાર સામે આવ્યા છે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે અને પાણીની સપાટી 120 ફૂટની સપાટી પર પહોંચી ગઈ છે.

રાજ્યના અનેક વિસ્તારો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, લોકો સુધી પીવાનુ પાણી સુધ્ધાં પહોંચી રહ્યુ નથી. લોકો પીવાના પાણી માટે ટળવળી રહ્યાં છે. ખાસ પશુપાલકો માટે આ સમસ્યા વિકટ બની છે. લોકો ચોમાસાના પહેલા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.

ગુજરાતમાં અનેક વિસ્તાર એવા છે જ્યાં હજી પાણી પહોંચી રહ્યું નથી જેના કારણે લોકોને પાણી વિના અનેક સમસ્યાઓને સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે પરંતુ છેવાડાના હજી અનેક એવા ગામો છે કે જ્યાં સમયસર પાણી પહોંચતુ નથી, જેના કારણે લોકોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે.

આ વખતે ગરમીનો પારો પણ એટલો ઉંચો છે તેથી રાજ્યના અનેક સરોવરો પાણી વિનાના થઈ ગયા છે. ઢોરઢાંખરને તો ઠીક લોકોને પીવાના પાણી માટે પણ અનેક વિસ્તારોમાં કકળાટ છે. દરવર્ષે એકતરફ ગરમીનો પારો ઉંચકાતો જાય છે અને સરકાર પાસે આ બાબતે કોઈ પ્રિ-પ્લાન નથી કે જેથી આવી કાળઝાળ ગરમીમાં લોકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી આપે. કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વરસાદનુ પ્રમાણ પણ ઓછુ છે જેથી પાણીના તળ દિવસે ને દિવસે ઉંડા જઈ રહ્યા છે. જેનાથી આવનારા સમયમાં પાણીની સમસ્યા ઘણી જ વિકટ બની રહેશે એ વાત તો નક્કી છે.

ભવિષ્યમાં પાણી માટે મારામારી અને લૂંટફાટ ચાલુ ન થાય એ માટે સરકાર દ્વારા પાણીના સંગ્રહ માટેના પ્લાના બનાવવા પડશે. ઉપરાંત લોકોએ પણ પાણીનો અયોગ્ય વેડફાટ અટકાવવો પડશે જેના કારણે આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું ન પડે.

Leave a Reply