યુવાન સપનાંની પાંખો

”આંટી…ક્યાં ગઈ કાવ્યા.” ઘરે આવેલી કાવ્યાની બે બહેનપણી કિરણ અને શનાએ પૂછ્યું.

”અરે..આવ આવ કિરણ. થોડીવાર પહેલા જ કાવ્યા એના પપ્પા સાથે મંદિરમાં પ્રસાદ ચડાવા ગઈ છે. ૯૧ % આવ્યા અમારી કાવ્યાને. મેં તો માનતા રાખી હતી ઠાકોરજીની કે કાવ્યાને ૯૦% ની ઉપર આવે એટલે તરત મંદિરે કિલોનો પ્રસાદ ચડાવીશું. અમારી માનતા ફળી ને જો ૯૧% આવ્યા, તમારે લોકોને કેટલા આવ્યા?”

”મારે તો ૬૦% આંટી. તમને તો ખબર જ છે મને ભણવું તો ક્યાં ગમે…એટલે આર્ટસ લેવાની છું. શાંતિથી ભણવાનું. આટલી ઉપાધિ અમારાથી ના થાય હો. કાવ્યા તો હોશિયાર છે એટલે ભણી શકે.” શનાએ કહ્યું.

”હા.. હો. અમારી કાવ્યા તો પહેલેથી હોશિયાર છે. સાયન્સ લઈને ડોક્ટર બનાવાની છે અમારી દીકરીને. પછી જોજે ને સમાજમાં નામ રોશન કરશે અમારી દીકરી.”

”સાચી વાત છે આંટી તમારી, પણ અમારામાં તો છોકરીઓને નોકરી નથી કરવા દેતા એટલે ભણીને ફાયદો પણ શું? ખાલી આંખો ફોડવાની વાંચી વાંચીને… ”

ત્યાં જ કાવ્યા તેના પપ્પા સાથે મંદિરેથી આવી.

”કાવ્યા. જબરા નસીબ છે હો તારા. ૯૧%… હવે તો સાયન્સ લઈને ડોક્ટર બની જઈશ.” શનાએ કહ્યું.

”તમને કોને કહ્યું કે મારે સાયન્સ લેવાનુ છે ?”

”અરે આખા ગામમાં ખબર છે. તારી મમ્મીની ખુશી હદયમાં પણ નથી સમાતી એટલે બધાને સહભાગી બનાવ્યા.”

”મમ્મી પણ ખરી છે મને પૂછ્યા વિના આખા ગામમાં જાણ કરવાની શું જરૂર છે?”

”કેમ વળી ૯૧% આવ્યા પછી તો સાયન્સ જ ભણવાનું હોયને. અમારી જેવા હોય કે ૬૦ % આવ્યા એટલે આર્ટસ પરાણે કરવું પડે.”

”મને એ નથી ખબર પડતી કે કોઈ અભ્યાસ જે આપણી જિંદગીમાં સૌથી મહત્વનો છે એને પરાણે શું કામ કરવો પડે? અભ્યાસ કે જે માત્ર ભણવા ખાતર નથી હોતો. આંતરિક સૌંદર્યને ખીલવવા માટે હોય છે. આપણને ગમતા વિષયમાં વધુ સારી મહાલત હાંસલ કરવા માટે હોય છે. દુનિયાની કોઈ પણ ફિલ્ડ નાની કે મોટી નથી હોતી, આપણા પર આધાર છે કે આપણે તેને કેવા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ. તેની પાછળ કેટલો સમય આપીએ છીએ અને કેટલા રસથી તેનો અભ્યાસ કરીએ છીએ. ”

થોડી વાતચીત કરી તેની બહેનપણીઓ તો ચાલી ગઈ, પણ સાંજ સુધી ઘરમાં અવરજવર ચાલુ રહી જાણે કે કોઈ તહેવાર હોય. મહેમાનો , મિત્રો અને આજુબાજુના પાડોશી આવતા, રિઝલ્ટ પૂછતાં અને હવે કઈ ફિલ્ડમાં જવું અને સાથે કોઈ સંબધીના દીકરા કે દીકરીને સાયન્સ લેવાનું હોય તો કઈ સ્કૂલમાં એડમિશન લેવાનું છે, કેટલી ફી છે અને કેવું ભણાવે છે એની લાંબી લાંબી ચર્ચાઓ રાત સુધી ચાલતી રહી.

આ બાજુ કાવ્યાનું મન કંઈક બીજા જ વિચારે ચડ્યું હતું. જેને ભણવાનું છે એને તો જાણે કોઈ લેવા- દેવા જ ન હોય એમ કોઈ પૂછતું પણ નથી. સંતાનને એક વાર પૂછવામાં નથી આવતું કે તારે કઈ બીજું તો નથી ભણવુંને. હવે બાળકને જ ખબર ના હોય કે હવે આગળ શું કરવું એટલે માં- બાપ જે નક્કી કરે અને બધા જે કરતા હોય એના ગાંડરિયા પ્રવાહમાં કશું પૂછ્યા કે જાણ્યા વિના જોડે તણાતા રહેવાનું. એમાં પાછો ફાયદો એ કે જે બીજાનું થાય એ જ આપણું થાય બીજું કશું નવું ન થાય.

કાવ્યાને નોવેલો, મેગેઝીનો, કાવ્યો વાંચવાનો અને લખવાનો જબરો શોખ હતો. નોવેલ વાંચતી વખતે તો તે જાણે બીજી જ દુનિયામાં ખોવાઈ જતી, પણ આ ફિલ્ડ વિશે તેને કોઈ માહિતી નહોતી અને કોઈ કરિયરની તકો છે કે નહીં એ પણ ખબર નહોતી, તેના કુટુંબમાં હજી સુધી એવું કોઈ આ ફિલ્ડમાં હતું નહીં કે તેને સાચું માર્ગદર્શન આપી શકે એટલે ઘરે જે કહે એ કરવામાં જ ભલાઈ હતી અને બીજો કોઈ રસ્તો પણ નહોતો. આખરે કાવ્યાને પણ માબાપનું સપનું પૂરું કરવું હતું. એક ડોક્ટર બનવું હતું, પણ એ તેની ઈચ્છા નહોતી. પણ કહેવાયને કે જયારે કઈ જ સુઝતુ ના હોય ત્યારે જે હાથમાં હોય એ કરવા સિવાય કોઈ છૂટકો પણ નથી હોતો અને ઘરે એવું પણ ન કહેવાય કે તેને જીવ તો વાર્તાઓ અને કવિતાઓ લખવામાં છે. આખરે મારે પણ ભણવાનું છે. કંઈક કરીને બતાવાનું છે.

ત્રણ દિવસની ભાગમભાગ પછી આખરે કાવ્યાને વિદ્યાનગર હાઈસ્કૂલમાં એડમિશન મળી ગયું અને સાથે રોજ ટ્યુશન જવાનું એ તો અલગ. આ બારમું પતે ત્યાં સુધી તો બિચારા સંતાનનું બારમું થઇ જાય. હવે કાવ્યાને મમ્મી- પપ્પા કહે એ કરવા સિવાય ક્યાં બીજો છૂટકો હતો કે બીજું કશું કઈ કરે જે તેને ગમે છે. આખરે કાવ્યા પણ માં-બાપની આશાઓ પર પાણી ફેરવવા નહોતી માંગતી.

સોમવારથી સ્કૂલ ચાલુ થવાની હતી. સવારમાં છ વાગે કાવ્યા ઉઠી ગઈ. દિલમાં ઉત્સાહ હતો કે જે સપનાં જોયા છે એને પુરા કરવાનું આ એક પગથિયું છે અને તે પણ પોતાના માં- બાપના સપનાંને પુરા કરવા પોતાનાથી બનતી બધી જ મહેનત કરશે.

જ્યાંથી હવે જિંદગીની નવી શરૂઆત થવાની હતી એ સ્કૂલનો આજે પહેલો દિવસ હતો. ઘરેથી થોડે દૂર જ સ્કૂલ હતી. આજે નવા મિત્રો પણ મળવાના હતા. નવી શરૂ થનારી જિંદગીની ટ્રેઇનના નવા મુસાફરો. જેમની મંઝિલ કદાચ અલગ છે પણ થોડા સમયના હમસફરની સાથે પોતાની મંઝિલ સુધીનો રસ્તો જલ્દીથી જરૂર કપાશે પછી બધા પોતપોતાની જિંદગીના રસ્તે ચાલી નીકળશે. કાવ્યા પોતાની સ્કૂલ વિદ્યાનગર હાઈસ્કૂલની બિલ્ડિગ પાસે આવીને ઉભી રહી. આ એ સ્થળ કે જે કદાચ કાવ્યાની શરૂ થતી જિંદગીનો પાયો નાખવાની હતી અને તેની પર ઇમારત તો તેણે જ ઉભી કરવાની હતી.

બિલ્ડિગ હતું તો આકર્ષક, જોવામાં ગમી જાય તેવું. તેણે સ્કૂલની અંદર પ્રવેશ કર્યો અને સરએ કહ્યું કે બાયોલોજી માટેનો ક્લાસ સામે છે. કાવ્યાએ કલાસમાં પ્રવેશ કર્યો અને જોયું તો આખો કલાસ ફુલ. એક જ બેન્ચ પર બેઠેલા ચાર-ચાર વિધાર્થીઓથી ક્લાસ જાણે ઘેટાં-બકરાંઓના ટોળાથી ભરાયેલો હોય એવો જ લાગતો હતો. મારે આ બધાની સાથે ભણવાનું છે? કાવ્યાએ મનમાં જ પૂછ્યું.

વિધાર્થીઓના ચહેરા જાણે એટલા ગંભીર કે જાણે યુદ્ધ લડવા જવાનું હોય અને જીંવન- મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય. માણસનો મરતી વખતે પણ આવો વિલાયેલો ચહેરો ન હોય,તો અહીં આટલું ગંભીર વાતાવરણ ઉભું કરવાની શું જરૂર છે ? જેણે ભણવું છે એ તો ભણવાના જ છે તો પછી મજાથી ભણાવવામાં જાણે કયા કાંટા વાગે છે અહીંના શિક્ષકોને?

આમ ને આમ બે અઠવાડિયા પસાર થઇ ગયા. રોજ સવારે ઉઠવાનું, સ્કૂલે જવાનું, ચોપડી કાઢવાની, મિત્રો જોડે રિલેક્સ થવા ગપ્પા મારવાના અને પાછું બેગ ભરીને ઘરે આવવાનું અને જમીને પાછું ટ્યુશન તો ઉભું જ હોય. ટ્યુશન જવાનું અને પાછું એ જ ભણવાનું અને ઘરે આવીને પછી કાલની ટેસ્ટની તૈયારી કરવાની. આ સિવાય બીજી કોઈ પ્રવુતિ નહીં. કોઈ પંતગિયાને બાટલીમાં બંધ કરી દો તો એ પણ બિચારું ગૂંગળાઈને મરી જાય,તો વિધાર્થીઓની શું હાલત થતી હશે એનો વિચાર તો કોઈ કરતું જ નથી અને જોડે ભણતા વિધાર્થીઓ પણ નક્કી કરેલા ધ્યેય સાથે જાણે કોઈ જગ્યાએ નોકરી મેળવવા જ ભણવા આવતા હોય એવું લાગે.

જ્યાં ભવિષ્યમાં જવાનું છે ત્યાં જે માલિકના ઓર્ડર મુજબ ચાલે અને એટલું જ કરે બસ સ્કૂલ એની જ ટ્રેનિંગ કરાવતી હોય એવું લાગે. આવનારી પેઢીને કંઈક નવો રસ્તો બતાવાની જગ્યાએ નવા રસ્તા પર નજર પણ ન કરે એવું ઇચ્છતા હોય છે. જે રસ્તે તેઓ ચાલ્યા, બધા ત્યાંથી જ ચાલવા જોઈએ એવું દ્રઢપણે માનનારા આપણા ખડુસ શિક્ષકો. સાચેમાં એક નવા વિચારની જરૂર તો તેમને છે કે જાણે બાળકોને ભણાવવાની જગ્યાએ પ્રેશર આપતા હોય કે નહીં વાંચો તો અહીં જ રહી જશો, ક્યાંય એડમિશન નહીં મળે અને બિચારો વિધાર્થી બધાથી પાછળ રહી જશે એ વિચારથી પ્રેશરમાં આવીને વાંચવા લાગશે, મજા આવે કે ના આવે તેણે વાંચવાનું છે, કેમકે નાપાસ થઈશું તો ઘરે બોલશે અને ક્યાંય તેને એડમિશન નહીં મળે તો તે કરશે શું? જાણવા છતાંય આવી પરાણે કરવી પડે એવી સ્ટડી કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ પણ નથી હોતો.

આખા સાઠના ક્લાસમાં આ ફિલ્ડમાં સારું કામ કરનારા બધા નહીં હોય. માંડ વીસ જણ હશે જે એમાં આગળ આવશે તો બીજાનું શું? બધા એક સાથે તો આગળ નથી જવાના. કાવ્યા પણ રસપૂર્વક ભણી શકતી નહીં. ક્લાસની ચાર દીવાલોની હવા તેને જાણે બંધ કેદ જેવી લાગતી. જ્યાં મરજીથી શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગતો. તેનું દિલ તો ક્યાંક બારીની બહાર પોતાના સપનાના આકાશમાં ભટકતું રહેતું. માત્ર ઉંમર જ મોટી નથી થતી, સાથે સપનાં પણ યુવાન થાય છે, જે બહાર નીકળવા મથે છે, પોતાની દુનિયા જોવા માંગે છે. પોતાને ગમતું કરવા માંગે છે અને જે ન મળતાં અંદર ને અંદર છટપટે છે અને જો આ સમયે કઈ કરવામાં ન આવે તો કરમાઈને મુરઝાઈ જાય છે.

કાવ્યાનું ધ્યાન બારીમાંથી દેખાતા પેલા કબૂતરમાં હતું. કબુતરના જોડાંને જોઈને તેના પ્રકૃતિપ્રેમી દિલમાં કવિતાઓનો ધોધ ફૂટી નીકળતો અને સાથે તેની કલમમાં નવા પ્રાણ ફૂંકાઈ જતા. તેનું દિલ કવિતાની બે પંક્તિઓ સર્જીને જે ખુશી અનુભવતું તે આનંદ કદાચ બધા કરતા વિશેષ હતો.

કાવ્યાને મિત્રો સાથે ઓછું બનતું. કામની વાતો હોય ત્યાં સુધી બરાબર પણ કોઈની નિંદા, ટીકા , બીજાની પંચાત, છોકરાઓની વાતો, ડ્રેસિંગ, હેરસ્ટાઇલ જેવી નકામી વાતો કે તેના ઉંમરની બીજી છોકરીઓને જેમ તેને કોઈ છોકરા સાથે એ પ્રકારની લાગણી આવતી નહીં, ના તેને બીજાની પર્સનલ વાતોમાં રસ પડતો. કાવ્યાને રસ પડતો તેની જાત સાથે સમય વીતાવવામાં, જીવનની ગૂઢ વાતોને સમજાવવામાં, નવું નવું વાંચવામાં, લોકોને જાણવામાં અને આ કુદરતને માણવામાં. તેને કોઈ બોયફ્રેડ બનવવામાં રસ નહોતો. પણ એક એવી ઈચ્છા જરૂર હતી કે કોઈ તેના જેવું હોય કે તેની આ પાગલ વાતોને સાંભળે, તેને સમજે, મારી જેમ તેને પણ પ્રેક્ટિકલી દુનિયા કરતા જીવંત દુનિયામાં રસ પડતો હોય. આ પ્રકૃતિને ચાહતો હોય અને મનભરીને અમે વાતો કરી શકીએ. કદાચ જિંદગી ખૂટી જાય પણ અમારા વાતોનો ખજાનો ક્યારેય ખૂટે જ નહીં. જેની ભીતર સાગર હિલોળા લેતો હોય અને તેના પ્રેમધોધમાં હું સ્નાન કરી રહી હોઉં. ત્યાં જ કેમિસ્ટ્રીના સરે બૅઝિનની રચના પૂછી અને કાવ્યા ઝબકીને તેની કાલ્પનિક દુનિયામાંથી બહાર આવી.

આવી રીતે બે મહિના પસાર થઇ ગયા. એક દિવસ કાવ્યાની લખેલી રચનાઓ અને કવિતાઓની નોટસ એના મમ્મીના હાથમાં આવી. તેમણે વાંચી અને કાવ્યાને બોલાવીને કહ્યું,” તને ખબર જ છે કે આ તારી કારકિર્દીનું મહ્ત્વનુ વર્ષ છે તેમાં અભ્યાસમાં ધ્યાન આપવાની જગ્યાએ તું આવું બધું લખે છે. તારા પપ્પાને ખબર પડશે તો શું થશે એ તે વિચાર્યું છે?”

”મેં શું ખોટું કર્યું છે? મારા અભ્યાસ સિવાય બીજું કઈ વાંચવું અને લખવું કઈ ગુનો છે અને મને એ વાંચવા અને લખવામાં જ સૌથી વધુ મજા આવે છે.”

”તને ખબર હોવી જોઈએ કે તારા આ ભણતર પાછળ તારા પપ્પાએ કેટલો ખર્ચો કર્યો છે?”

”હું જાણું જ છું મમ્મી, પણ તમે મને નહોતું પૂછ્યું કે મારે શું કરવું છે? મારે પણ ભણવું છે પણ મારુ દિલ કહે તે. બાકી અહીં હું ભણીશ તો ખરા પણ મારુ દિલ એમાં નહિ હોય. જ્યાં ઘેટાં- બકરાંના ટોળામાં મને ગભરામણ થાય છે કે હું ક્યારે બહાર નીકળું. જ્યાં મુક્ત રીતે શ્વાસ પણ લઇ ન શકો અને ક્યારે બે વર્ષ પુરા થાય એની રાહ જોવી પડે. મારે મારુ પોતાનું વિશ્વ બનાવવું છે. હું એક કામ કરતી સંવેદનાહીન મશીન બનવા નથી માંગતી. જિંદગી શું માત્ર ભણી- ગણીને નોકરી કરવા માટે હોય છે? બધા જો એક જ જગ્યાએ જાય તો નોકરીમાં સ્વભાવિક રીતે બેરોજગારી ઉભી ના થાય તો શું થાય? જેટલાની જરૂર છે એના કરતા વધારે લોકો એક સાથે એક જગ્યાએ અનુકરણ કરીને જાય છે અને પછી ફરિયાદ આવે છે કે નોકરી નથી મળતી?

મારે બીજાના ચીંધેલા કે બનાવેલા રસ્તા પર નથી ચાલવું, મારે કંઈક નવું કરવું છે, મારુ પોતાનું કરવું છે, જે મારા સિવાય કોઈ ના કરી શકે. મારે મારી પોતાની ઓળખ જોઈએ છે. નોકરીમાં તો હું નહીં હોઉં તો બીજા આવશે અને એ જગ્યા પુરાઈ જશે. જેમાં હું કયારેય હતી જ નહીં. એવું જીવન મારે નથી જીવવું. મારો રસ્તો હું મારી જાતે બનાવા માંગુ છું. મારી દિશા અને મંઝિલ હું મારી જાતે શોધવા ઈચ્છું છું.” આખરે અત્યાર સુધી દિલમાં ધરબાઈ ગયેલી કાવ્યાની ઈચ્છાઓ શબ્દોમાં રૂપાંતર થઇ.

”જો તારી આ બધી વાતો મને સમજાતી નથી. સૌથી પહેલી વાત કે જે તું કરવા માંગે છે એમાં તારું કોઈ જ ભવિષ્ય નથી.”

”ભવિષ્ય તૈયાર ન મળે મમ્મી એને જાતે બનાવવું પડે.”

”જો મારે તારી સાથે કોઈ દલીલ નથી કરવી. અમે જે તારા માટે કર્યું છે એ સમજી વિચારીને જ કર્યું છે અને તારા સારા ભવિષ્ય માટે કર્યું છે. માટે આવા નકારાત્મક વિચારો કરવા છોડી દે.”

”હું જાણું જ છું મમ્મી કે તમે અમારું ખરાબ ક્યારેય વિચારી જ ન શકો. પણ અમુક સમયે જિંદગીમાં શું કરવું જોઈએ એના ફેંસલા બાળકોને પણ કરવા દેવા જોઈએ. અભ્યાસ અમારે કરવાનો છે અને કારકિર્દી પણ અમારે બનવાની છે. જો તમે જ બધું કરશો તો અમે શું કરશુ?અમને પણ શીખવા દો, પડવા દો, દુનિયા સામે લડવા દો ત્યારે જ અમે ઘડાશું. તમે અમને એકલા કઈ કરવા જ નહીં દો તો અમે પણ સ્વાવલંબી નહીં બની શકીએ. શું તમે એવું ઈચ્છો છો કે અમે આગળ જતા બીજા પર આધારિત સંતાનો બનીએ કે પોતાને શું કરવું એ નિર્ણય પણ નથી કરી શકતા. તૈયાર ભાણું ખાવાની ટેવ પડી જશે. અમને એકલા પોતાની જિંદગી જીવવા દો. જીવનને નજીકથી સમજવા દો. અમે તમને નિરાશ નહીં કરીએ. તમારું માથું શરમથી ઝૂકી જાય એવા કોઈ કામ અમે નહીં કરીએ.”

”જો તને શોખ છે તો એ બાજુમાં પૂરો કર. જો તારું નસીબ જેમાં હશે એ તને ચોક્કસ મળશે. પણ હાલ પૂરતું એક વર્ષ ભણવામાં ધ્યાન આપ. તારા પપ્પાની પણ ઘણી આશાઓ અને સપનાઓ છે તને લઈને. પેલા તારે એ પુરા કરવા જોઈએ.”

”શુ તમારા જ સપનાંઓ હોઈ શકે? અમારા કોઈ સપનાં કે ઈચ્છાઓ ન હોઈ શકે? તમારી ઈચ્છાઓ અમે પુરી કરીએ એ વાત સાચી પણ અમને બીજામાં રસ હોયતો અમારા સપના પુરા કરવામાં પણ તમારી ખુશી હોવી જોઈએ.”

”જો અમને ખબર છે તું બહુ મોટી થઇ ગઈ છે, પણ મારી સામે ના બોલ. જે કરવાનું છે એ કર. નહીં તો ક્યાંયની નહીં રહે અને હજી એક વાર કહું છું આ બધાથી કશું નહીં મળે. ભણીશ તો સારી નોકરી, સારો છોકરો ને માન મળશે. એમાં ધ્યાન આપ.”

હવે મમ્મી સામે બોલવું ઉચિત નથી એમ માનીને કાવ્યાએ મૌન ધારણ કરીને ભણવામાં ધ્યાન આપ્યું. પણ દિલ કઈ રીતે માને?

જ્યાં સુધી કોઈ સપનું ના જોઈએ ત્યાં સુધી બરાબર, પણ જો કોઈ સપનું જોઈ લઈએ તો? તો ત્યાં પહોંચવા માટેની અધીરાઈ વધુ વધી જાય અને એવું જ કંઈક સપનું કાવ્યામાં આકાર લઇ રહ્યું હતું.

રોજ સાંજે કાવ્યા ટ્યુશનમાંથી આવ્યા પછી તેની ઘરની બાજુમાં આવેલા બગીચામાં વાંચવા જતી અને ક્યારેક પોતાના આવતા વિચારોને ડાયરીમાં ટપકાવતી.

એક દિવસ તે બેસીને કંઈક વિચારીને લખી રહી હતી. ત્યાં અચાનક તેની જ ઉંમરનો છોકરો તેની પાસે આવ્યો અને કહ્યું, ”એક્સક્યુઝ મી મેમ. મારુ નામ ઋષભ છે. તમને સોરી કહેવા આવ્યો છું.”

”સોરી…પણ શેના માટે? ”

”મેં તમારી પરમિશન વિના તમારું પિક્ચર દોર્યું કર્યું છે.

”કેવું પિક્ચર?” કાવ્યાએ આષ્ચર્ય સાથે કહ્યું.

અને તે બોયએ એક સ્કેચ બતાવ્યો. જેને જોઈને કાવ્યા દંગ જ રહી ગઈ. તેના ચહેરાનો કોઈ સરસ દોરી પણ શકે?

‘ઓહ માય ગોડ!! આ તો મારો ચહેરો છે.”

”હા.. હું તમને જાણ કરવાનો હતો, પણ વિચારતી વખતે તમારા ચહેરા પર જે ઊંડી ગહેરાઈના ભાવ હતા એ હું ઝડપી ન શકત. કદાચ એટલા સારી રીતે હું કંડારી ન શકત અને રજૂ ન કરી શકત અને જો તમને ખબર હોય કે તમારું સ્કેચ બને છે તો એ ભાવ એ જ સમયે આવે પણ નહીં એ માટે આય એમ સોરી કે તમને પૂછ્યા વિના મેં…”

”અરે નો સોરી. મને તો ખુબ જ ગમે. આખરે તમે લોકોના ચહેરાના ભાવ વાંચી શકો છે અને સાથે રજૂ પણ કરી શકો છો. અદભુત કળા છે આ તમારામાં… શું હું માણસ છું એટલે મારો સ્કેચ દોરતા પહેલા મને પૂછવા આવવું પડે? જયારે આપણે કુદરતના ભાવ રજૂ કરીએ છીએ અથવા કોઈ બર્ડ્સ- એનિમલ્સની ફોટોગ્રાફી કરીએ તો શું તેમને પૂછવા જઈએ છીએ? ના…કેમકે તેંમને ખબર નથી કે મનુષ્ય શું કરી રહ્યો છે નહિતર તો એ પણ સામે કેસ કરશે કે મનુષ્યની હિંમત કેવી રીતે થઇ અમારી એકાંતની પળોને અમને પૂછ્યા વિના કેદ કરવાની, ખરુંને?

”વાઉઉઉ. ધેટ્સ અમેઝિંગ…અદભુત વિચાર છે આપનો.”

”જો કુદરતનું અપ્રતિમ સૌંદર્ય છે તો એને રજૂ કરનાર કલાકાર પણ હોવો જોઈએ ને. બસ એનો ઈરાદો ખરાબ ન હોવો જોઈએ.

”સાચી વાત છે તમારી.. મિસ?

”કાવ્યા.. ”

”કાવ્યા. .તમે લેખક છો કે શું? કેમકે આવા વિચાર તો એક લેખક જ કરી શકે અને જે રીતે તમે વિચારમાં ડૂબેલા હતા એના પરથી તો ચોક્કસ તમે લેખક તો હશો જ.”

”લેખક કોને કહેવાય એ તો ખબર નથી, પણ થોડું ઘણું લખી લઉ છું, આ કુદરત સંગ થોડી વાર રમી લઉં છું. પણ તમને તો મેં અહીં પહેલી વાર જોયા.”

”હજી થોડા દિવસ પહેલા જ અમે અહીં શિફ્ટ થયા છીએ. મને પેઇન્ટિંગનો ખુબ જ શોખ છે એટલે આવી રીતે રખડ્યા કરું છું મારી હુન્નરની શોધમાં.”

”એ તો ચહેરા પરથી લાગે જ છે. સારું ચલો હું જઉં. કાલે ટેસ્ટની તૈયારી પણ કરવાની છે.”

”ઓહ્હ..અને હા, તમારી કવિતા જરૂર સાંભળાવજો મને. મને પણ ખુબ ગમશે.”

”ચોક્કસ.” અને કાવ્યા પોતાના ઘર તરફ જવા રવાના થઇ ગઈ.

બીજે દિવસે કાવ્યા બગીચામાં ગઈ. આજુબાજુ નજર કરી કદાચ ઋષભ હોય. ત્યાં બગીચાના ખૂણા પર નજર ગઈ. જઈને જોયું તો ઋષભ કોઈ આડાઊભા પટ્ટા દોરીને કંઈક કરી રહ્યો હતો.

”આજે કોનો ચહેરો રજૂ કરી રહ્યા છો?”

”કઈ સમજાતું નથી પણ કંઈક ચોક્કસ બનશે. પણ આજે તો મારે તમારું કંઈક વાંચવું છે.”

”ના હું મારુ વાંચવા કોઈને નથી આપતી. કોઈને ન ગમે તો.”

”બીજાને ગમશે કે નહીં એનો વિચાર તમે કેમ કરો છો? માત્ર તમારા પર વિશ્વાસ રાખો. હવે મને વાંચવા મળશે.”

”આ મેં મારી કલાસરૂમમાં લખી હતી જયારે મને કંટાળો આવતો હતો.

આ રંગબેરંગી દુનિયાના વિવિધ રંગ જોવા છે, માણવા છે, તમરાઓનું સંગીત સાંભળવું છે, પક્ષીઓના કલરવને શ્વાસની જેમ હદયમાં ભરી લેવો છે, આથમતી સાંજની રેલાતી લાલાશને પીવી છે, ખીલતા ચંદ્રના પ્રેમમાં પડી જવું છે, સમડીની પાંખ પર બેસીને વર્લ્ડટુર કરવી છે, કળા કરીને નાચતા મોરની સાથે તાલ મિલાવવો છે, પર્વતમાંથી વહેતા ઝરણાંમાં સ્નાન કરવું છે, પાણીમાં રમી રહેલી માછલીની રમત નિહાળવી છે, ઉડતા પક્ષી સાથે દોડની હરીફાઈ યોજવી છે, કાગળની હોડીમાં બેસીને સપનાના રાજકુમાર સાથે દુનિયાની સફર કરવી છે, દરિયા કિનારે બેસીને પ્રેમીસંગ આથમતા સૂર્યને પ્રેમનો સાક્ષી બનાવવો છે.”

”વાહ ખુબ જ સુંદર. એક વાત કહું દુનિયાને જોવાની તમારી નજર સાવ અલગ છે અને વિશિષ્ટ પણ. એક દિવસ તમારા ઘરના પણ પ્રાઉડ ફીલ કરજે જોજો. બસ મને પ્રોમિસ કરો કે તમે લખવાનું નહીં છોડો.”

”ઓકે પ્રોમિસ બસ.” કાવ્યાએ લંબાવેલા હાથ પર હાથ મૂકીને કહ્યું.

આજે કોઈક અજનબીએ મારામાં વિશ્વાસ ભર્યો. પથ્થરમાં જાણે પ્રાણ ફૂંક્યો. મારા સપનાંને પાંખો ફેલાવાનું બળ આપ્યું.

આજે કાવ્યાએ દોસ્તીનો હાથ સ્વીકાર્યો, જાણે સપનાંનો રાજકુમાર સામે આવીને ઉભો રહ્યો.

કાલની સવાર કાવ્યા માટે કંઈક અલગ જ ઉગવાની હતી. એક એવું સપનું કે જેને કોઈએ ઉડતા શિખવાડ્યું અને હવે બસ પાંખોને મારે આકાશ આપવાનું છે અને એ માટે મારે ખુબ મહેનત કરવાની છે. મમ્મી- પપ્પાનું સપનું અને મારુ સપનું પણ. જોઈએ કોણ કોને હાર આપે છે? અને કાવ્યાની નજર બારીની બહાર ગઈ.

આસમાની કોરા આકાશમાં એક સમડી ઉંચે ચકરાવા લઇ રહી હતી અને લહેરાતો ઠંડો પવન જાણે તેને ઉડવા માટે આકાશ આપી રહ્યો હતો. બસ તેણે પાંખો ફેલાવી ત્યાં સુધી પહોંચવા મહેનત કરવાની હતી અને સાબિત કરવાનું હતું કે તે પણ જિંદગીને કોઈના આધાર વિના પોતાની રીતે જીવી શકે છે, પોતાના સપનાંને આકાર આપી શકે છે.

Leave a Reply