ગુજરાતીઓની હોળી ખરેખર કેવી હોય છે, જાણો!

આજરોજ સમગ્ર દેશમાં જ્યારે હોળી મનાવવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેને ઉજવવાની પ્રથા અલગ છે.

સૌરાષ્ટ્રમાં હોળીને ‘હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે, જ્યારે હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને ‘બીજો પડવો’,’ ત્રીજો પડવો’ એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ છે, જે ખાસ કરીને પોરબંદરમાં વધુ જોવા મળતો હોય છે.

વિવિધ હરીફાઇ યોજાય છે!

શહેરી વિસ્તારો સિવાય ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શૌર્યપૂર્ણ રમતો રમવામાં આવે છે, અને સાથે જ વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે… અડધી રાત સુધી લોકો આ મનોરંજનનો લાભ લે છે.

મથુરામાં રમાતી ‘લઠ્ઠમાર હોળી’

ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓની પૂજા કરાય છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધી ગલીઓમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.

હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની ‘લાણ’ વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.

આવી ઘણી અવનવી વાતો છે આપણાં તહેવારોની! જો તમને ગમી તો વધુ લોકોને પણ વંચાવો!

Leave a Reply