દેશની આર્થિક રાજધાની એવી મુંબઇમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીંનાં એક સોશિયલ ઇન્ફ્લુઅન્સર કે જેના ટિક-ટોક પર 9 લાખ ફોલોઅર્સ હતાં, તેણે સરેઆમ મિત્રનાં ઘરેથી ચોરી કરી છે.
મુંબઈમાં ડિસેમ્બરમાં અંધેરી (વેસ્ટ) માં આવેલી એક મોડેલ-એક્ટરના ફ્લેટમાંથી રોકડ અને સોનાની ચોરી થઈ હતી. આ કેસની તપાસમાં પોલીસ સામે એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં યુવતીનાં મિત્ર બનીને જ આ યુવકે ચોરી કરી હતી.
પોલીસે આ કેસમાં ટિકટોક સ્ટારની ધરપકડ કરી ત્યારબાદ એનો ખુલાસો થયો છે. આ ટિકટોક સ્ટાર યુવકના સોશિયલ મીડિયા પર નવ લાખથી વધુ ફોલોઅર્સ હતા.
કઇ રીતે ભાળ મળી પોલીસને?
આ અંગે પીડિત યુવતીએ માહિતી આપતાં જણાવ્યું કે, “કામના સંબંધમાં હું 18 થી 22 ડિસેમ્બર સુધી ભારતની બહાર હતી ત્યારે યુવક મારા ઘરે રોકાયો હતો. થોડા દિવસો માટે તે મારા ઘરમાં એકલો જ હતો. પરંતુ, અચાનક મેં જાન્યુઆરી 1 ના રોજ જોયું કે મારા ઘરેણાં અને રોકડની ચોરી થઈ છે.”
આ અંગે આરોપીને પૂછતાં યુવકે કહ્યું કે પોલીસ ફરિયાદ ન કરો કારણ કે પોલીસ મારા મિત્રોને હેરાન કરશે. જોકે બાદમાં યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
જ્યારે ઓશીવારા પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ જોયા, ત્યારે જાણવા મળ્યું કે એક શંકાસ્પદ મકાનમાં બુરખો પહેરીને આવ્યો હતો. જ્યારે તેના પગમાં પુરુષોના પગરખા પહેરેલાં જોયા ત્યારે પોલીસની શંકા વધુ તીવ્ર થઈ. અને પોલીસે તેને પકડી પાડ્યો હતો.