ગાંધીનગર: ચૂંટણી બાદ અચાનકથી વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુજરાતનાં ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
15મી માર્ચ સુધી રહેશે રાત્રી કરફ્યુ
આ રાત્રી કરફ્યુ આગામી 15મી માર્ચ સુધી યથાવત રહેશે. સાથે જ આ સિવાય બોર્ડર વિસ્તારોમાં પણ સ્ક્રીનિંગ યથાવત રહેશે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસો વધી રહેલા છે, ત્યારે ગુજરાતમાં પણ કેસ વધે નહીં તે માટે બોર્ડર પર ખાસ સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

શનિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના અધ્યક્ષે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયોની વિગતો આપતા રાજયના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજયમાં સર્વેલન્સ અને ધનવંતરી રથની કામગીરી સઘન બનાવવામાં આવશે.
આ ઉપરાંત, ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં વધી રહેલાં કેસોને ધ્યાનમાં રાખીને રાત્રિ કર્ફ્યુ 15 દિવસ લંબાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ આ બેઠકમાં કોવિડ-19 રસીકરણ, ફેઝ-2 માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી.