બિન સચિવાલય પરીક્ષા મુદ્દે આજરોજ NSUI બંધ પાળશે

ગાંધીનગર : બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવા રાજધાનીમાં પ્રદર્શન કરી રહ્યા છે. આંદોલન હવે આક્રમક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું, જેથી ગુજરાત સરકારે SITની રચના કરી છે અને તપાસના આદેશ આપ્યા છે.

જોકે, આ મુદ્દે NSUI દ્વારા ગુજરાત ભરમાં કોલેજો બંધનું એલાન આપ્યું છે. NSUIએ #Savegujaratstudents હેશટેગ સાથે કોલેજ બંધના એલાનની જાહેરાત કરતા લખ્યું કે, “આ ગુજરાતના યુવાનોના અધિકારની લડાઇ છે. કોલેજ આ બંધમાં જોડાય તેવી અપીલ.” અને જ્યાં પરીક્ષા ચાલુ હોય ત્યાં કોઈ વિક્ષેપ ન થાય તેવું એક અખબારી યાદીમાં NSUI પ્રમુખે જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓનો મુદ્દો હોવાથી કોંગ્રેસ પરીક્ષાર્થીઓની વહારે આવ્યુ છે અને આંદોલનકારીઓને ટેકો આપ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જાતે જ રસોઇ બનાવી આંદોલનકારીઓને જમાડ્યા હતા અને તેમની સાથે જ ઊંઘી ગયા હતા.

મહત્વનું છે કે, ગુજરાતમાં બિન સચિવાલય ક્લાર્કની 3910 પદોની જાહેરાત હતી, જેના માટે 10 લાખથી વધુ અરજી કરવામાં આવી હતી. 17 નવેમ્બરનાં રોજ આ પરીક્ષા યોજાઇ હતી, જેમાં 6 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરંતુ પરીક્ષા બાદ ઘણા સેન્ટરોમાં ગેરરીતિના વિડીયો બહાર આવતાં વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવા હોબાળો કર્યો હતો અને આંદોલન કર્યુ હતું.

Leave a Reply