રફાલ સોદો: ભાજપ માટે લ્હાવો તો કોંગ્રેસ માટે દુ:ખાવો - The Mailer - India

રફાલ સોદો: ભાજપ માટે લ્હાવો તો કોંગ્રેસ માટે દુ:ખાવો

મુંબઇ: લોકસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે લોકસભામાં આ વખતે મહત્વનાં મુદ્દાઓની ચર્ચા અથવા તો કહો વાક-યુદ્ધ ચાલી રહ્યું છે. આ ઘમાસાણમાં સૌથી મહત્વનો મુદ્દો છે રફાલ!

શું છે રફાલ મામલો?

ડસોલ્ટ રફાલ એ ડસોલ્ટ એવિએશન નામક ફ્રેન્ચ મેન્યુફેક્ચરર કંપનીનું એક મલ્ટીરોલ એરક્રાફ્ટ છે, જે ભારતે દેશની વાયુસેનાની ક્ષમતા વધારવા માટે એક મહત્વના કરાર હેઠળ ખરીદવાનું નક્કી કર્યુ હતું. વર્ષ 2012માં ભારતમાં જ્યારે કોંગ્રેસ સરકાર સત્તા પર હતી, ત્યારે ડિફેન્સ મિનિસ્ટ્રીએ જાહેરાત કરી હતી કે ભારતીય વાયુસેના માટે આવા એરક્રાફ્ટ ખરીદવા MMRCA કોમ્પિટિશન રાખી હતી અથવા તો હરાજી પ્રયોજી હતી, જેમાં ડસોલ્ટ એવિએશનએ પોતાના રફાલ વિમાનને રજૂ કરી સોદો મંજૂર કર્યો હતો.

આ સોદા અનુસાર તે વખતે ડસોલ્ટ રફાલ ભારતીય વાયુ સેનાને 126 એરક્રાફ્ટ પૂરા પાડશે. આમાં પહેલાં 18 એરક્રાફ્ટ ડસોલ્ટ એવિએશન દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવશે, જ્યારે બાકીનાં 108 એરક્રાફ્ટ ડસોલ્ટની ટેક્નોલોજી લઇ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનાં લાયસન્સ હેઠળ બનાવવામાં આવશે. પરંતુ, સમય જતાં ડસોલ્ટે આ અંગેનો કરાર રદ કર્યો, જેથી રફાલ પ્રોજેક્ટ અટકી પડ્યો. પરંતુ, વર્ષ 2014માં ચૂંટણી દરમિયાન ભારતમાં રાજકીય સમીકરણો બદલાયા અને સત્તા પર આવી ભાજપ સરકાર! નવા મહત્વાકાંક્ષી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે જનતાને ઘણી આશાઓ હતી અને વડાપ્રધાન મોદીએ વર્ષ 2015માં તેમની ફ્રાન્સની ઓફિશિયલ મુલાકાતમાં જાહેરાત કરી કે ભારત ફ્રાન્સ પાસેથી 36 રફાલ વિમાન ખરીદશે. આ કરાર હેઠળ ભારત અને ફ્રાન્સ દ્વારા એક ઓફસેટ ક્લોઝ રાખવામાં આવ્યો, જેમાં જે કંપની આમાં રોકાણ કરે, તે 50% રોકાણ ભારતમાં પરત લાવે. આ અંતર્ગત ઓક્ટોબર, 2016માં રિલાયન્સ ગ્રુપ અને ડસોલ્ટ દ્વારા 51:49 ના ભાગરૂપે જોઇન્ટ વેન્ચર ઊભું કરવામાં આવ્યું, જેનું નામ આપવામાં આવ્યું- ડસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ.

કોંગ્રેસને વાંધો ક્યાં છે?

રિલાયન્સ ગ્રુપ અને ડસોલ્ટની આ ડિલ બાદ તરત જ કોંગ્રેસ દ્વારા આ મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો. તેમનો સવાલ છે કે જે વિમાનની કિંમત પહેલાંના કરાર વખતે 715 કરોડ રૂપિયા હતી, તે નવા કરારમાં સીધી બમણાંથી પણ વધારે એટલે કે 1600 કરોડ રૂપિયા થઇ ગઇ છે. સાથે જ તેમણે વડાપ્રધાન મોદી અને રિલાયન્સની સાંઠગાંઠ હોવાનો પણ આરોપ મૂક્યો છે. પરંતુ, ડિફેન્સ મિનિસ્ટ્રી અને રિલાયન્સ દ્વારા આ આરોપો નકારવામાં આવ્યા છે.

આ આખા મામલામાં આપણું શું?

આટલું વાંચ્યા બાદ આપણને લાગે કે હવે શું કહેવું? કોંગ્રેસનો વાંક છે કે ભાજપનો? આ મામલે વિચારવું એટલા માટે રહ્યું કારણકે વાત દેશની સુરક્ષાનો છે. ઇન્ડિયન એરફોર્સ કે જે દેશની વાયુસેના છે, તેની ક્ષમતા વધારવા માટે આ એરક્રાફ્ટ ડિલ થઇ હતી. વિશ્વનાં બીજા દેશો જ્યારે દિવસે ને દિવસે પોતાની તાકાત વધારતા જાય છે અને ચીન જેવી મહાસત્તા આપણી પડોશમાં રહીને રોજ પગપેસારો કરતી જાય છે, ત્યારે આપણો દેશ આ બધા ખતરાઓ સામે સક્ષમ હોવો જોઇએ. અને એટલે જ આ બાબતનો નિવેડો જલ્દી આવવો જોઇએ. કારણકે દરેક પક્ષ પોતાની વોટબેંક સાચવવા માટે કોઇપણ જટિલ મુદ્દાને લાંબો ખેંચ્યા જ કરશે, ખેંચ્યા જ કરશે. પરંતુ, અંતે જનતા જ રાજા છે.

Leave a Reply