ગુજરાતમાં આવેલ 52 શક્તિપીઠમાંનું એક ધામ- બહુચરાજી - The Mailer - India

ગુજરાતમાં આવેલ 52 શક્તિપીઠમાંનું એક ધામ- બહુચરાજી

મહેસાણાથી 45 કિ.મી.નાં અંતરે આવેલ ધામ બહુચરાજી એ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરનો ઇતિહાસ 5200 વર્ષ જૂનો હોવાનું મનાય છે. એક દંતકથા મુજબ ભગવાન શંકરનાં પત્ની સતી જ્યારે યજ્ઞકુંડમાંથી નીકળ્યા અને તાંડવ કરતાં હતાં, ત્યારે તેનાં શરીરનાં 52 ટુકડા કરવામાં આવ્યા હતા. જેમાંથી તેમનાં હાથને એક ટુકડો આજે બહુચરાજી તરીકે પ્રખ્યાત સ્થળે પડ્યો હતો. તેમના હાથ એટલે બાહુનો ટુકડો હોવાથી સ્થળનું નામ અપભ્રંશ થઇને ‘બહુચરાજી’ પડ્યું.આ મંદિર સાથે ઘણી વાર્તાઓ જોડાયેલી છે, જેમાં શિખંડીની વાર્તા ભક્તોમાં પ્રખ્યાત છે. જેમાં મહાભારત કાળમાં ભીષ્મપિતામહને હાર આપનાર શિખંડી માતાજીનો ઉપાસક હતો, જે વ્યંઢળ હતો. એક વાર તે મંદિર પાસે આવેલાં કુંડમાં સ્નાન કરી યુદ્ધમાં ગયો અને તેને જીત મળી. આ જીત મળ્યા બાદ જ તે પુરુષ બન્યો હતો. તેથી આજે પણ વ્યંઢળ સમાજ માતાજીને કુળદેવી ગણીને તેમની સેવા કરે છે.

હાલમાં મંદિરનું સમગ્ર વ્યવસ્થાપન બહુચરાજી મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા માતાજીનાં મંદિરે નવરાત્રી અને બીજાં તહેવારો ઘણાં ધામધૂમથી ઊજવાય છે. સાથે જ ઘણાં માઇભક્તો ધજા ચઢાવવાથી માંડીને બીજી ઘણી બાધાઓ અહીં પૂરી કરવા આવે છે. સાથે જ નવરાત્રી દરમિયાન આઠમના રોજ માતાજીની સવારી નીકળે છે અને રાતે માતાજીની પલ્લી પણ નીકળે છે. સાથે જ અહીં દશેરા પણ ધામધૂમથી ભક્તો દ્વારા ઊજવાય છે. આ ઉપરાંત, બહુચરાજી માતાનાં મંદિરે બાળકોની બાબરી એટલે કે મુંડન પણ કરવામાં આવે છે. એક અંદાજ મુજબ દર વર્ષે 35,000 જેટલાં બાળકોની મુંડનક્રિયા કરવામાં આવે છે. સાથે જ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોના આરામ અને ભોજન-પ્રસાદી માટે સુંદર વ્યવસ્થા ઊભી કરાઇ છે.

વર્ષ દરમિયાન 15 વખત માતાજી નગરચર્યાએ નીકળે છે. જેમાં દર મહિનાની પૂનમે, ચૈત્રી અને આસો મહિનાની આઠમ અને દશેરાના દિવસે માતાજી નગરજનોને દર્શન આપવા અર્થે યાત્રાએ નીકળે છે. આમ, આ શક્તિપીઠમાં વર્ષે-દહાડે ઘણાં ભક્તો માતાનાં દર્શનાર્થે આવે છે.

Leave a Reply