પ્રગતિશીલ ભારતનાં પાયામાં છે આ ખાસ મહિલાઓ!

આજરોજ એટલે કે 8મી માર્ચના રોજ દર વર્ષે સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.

ભારતની કેટલીક ખાસ મહિલાઓ

દેશનાં પ્રથમ મહિલા શિક્ષક ગણાતાં એવા સાવિત્રીબાઇ ફૂલેને આ દિવસે યાદ કરવા પડે, જેમણે 19મી સદીમાં સમાજનાં કુરિવાજો સામે શિક્ષણનું હથિયાર ઉઠાવ્યું હતું. તો સાથે જ એક સમયે ત્રાવણકોર કે જે દક્ષિણ ભારતમાં આવેલું છે, ત્યાંના રાણી ગૌરી પાર્વતીબાઇએ શિક્ષણ પ્રચારની જવાબદારી પોતાના માથે લીધી હતી. આવી મહિલાઓનાં કારણે જ આજે ભારત આ સ્તરે પહોંચ્યું છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રની વાત કરીએ તો દેશના પ્રથમ મહિલા તબીબ રુકમણીબાઈ (સાવે) રાઉત હતા, જેમણે બ્રિટિશકાળ દરમિયાન ભારતમાં મહિલાઓના સમાન અધિકારો માટે ચળવળ શરૂ કરી હતી. રુકમણીબાઈએ સુરત, રાજકોટ અને મુંબઈમાં તબીબી સેવાઓ આપી હતી. વૈવાહિક અધિકારો માટે રુકમણીબાઈના પતિ દાદાજી ભીખાજીએ કોર્ટ કેસ કર્યો હતો. રુકમણીબાઈએ આ કેસ લડ્યો હતો. ‘દાદાજી ભીખાજી વિ.રુકમણીબાઈ કેસ’ને કારણે જ આજે ભારતમાં લગ્નની યોગ્ય ઉંમરનો કાયદો નક્કી થઇ શક્યો છે, જેના કારણે લાખો બાળકીઓનું ભવિષ્ય બગડતાં અટકે છે.

રાજકારણ ક્ષેત્રે વાત કરીએ તો ઇન્દિરા ગાંધી, પ્રતિભા પાટીલ, નિર્મલા સીતારમણ, જયલલિતા, મમતા બેનર્જી વગેરે નેતાઓનાં નામ ન ભૂલી શકીએ. કોઇપણ વિચારધારા હોય, તેમણે સમાજને યોગ્ય માર્ગે દોરવા ઘણી મહેનત કરી છે. આઝાદી પહેલાંની વાત કરીએ તો કવિયત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરોજીની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા. અને ભારતના કોઇપણ રાજ્યના રાજ્યપાલ બનનારા પ્રથમ મહિલા હતા. આઝાદી પછીના લગભગ પાંચ દાયકા પછી ભારત સરકાર દ્વારા વર્ષ 2001ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતું.

આમ, આ તો વાત કરી એ મહિલાઓની જેમણે પોતપોતાના ક્ષેત્રમાં કાઠું કાઢ્યું છે, પરંતુ દરેક મહિલા આ સન્માનને અધિકાર છે. કારણકે તે પણ રોજ પોતાના જીવનમાં પોતાના પરિવાર માટે પરિશ્રમ તો કરે જ છે ને!

Leave a Reply