સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ- અમેરિકા પણ પાછળ

ભારતનાં લોખંડી પુરુષ સરદાર પટેલને અર્પણ કરાયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ આખાનાં પ્રવાસીઓ માટે લોકપ્રિય પર્યટન સ્થળ બન્યું છે. ગત વર્ષે લોકો માટે જાહેર મૂકાયેલા આ સ્ટેચ્યુની મુલાકાતે રોજ હજારો લોકો આવે છે અને આ જ કારણે SOUએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનાં પ્રવાસીઓ કરતાં દોઢ ગણી થવા પામી છે. તાજેતરમાં જ ગુજરાત સરકારના પર્યટન વિભાગે આ માહિતી રજૂ કરી છે. માહિતી મુજબ, સરદાર પટેલની પ્રતિમા જોવા રોજના 15,036 લોકો આવે છે, જ્યારે અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાત રોજના 10 હજાર લોકો લે છે.

મહત્વનું છે કે, સ્ટેચ્યુની આસપાસ પણ ઘણાં ફરવાલાયક સ્થળો વિકસાવવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓ મનભરીને સ્થળને માણી શકે. નવેમ્બરના પ્રારંભમાં જ ગત વર્ષ કરતાં 74 ટકા મુલાકાતીઓ વધ્યા છે.શનિ-રવિની રજામાં મુલાકાતીઓનો ધસારો 25 હજારે પહોંચે છે. વિઝિટર્સ ફી દ્વારા સરકારને અત્યાર સુધી રૂપિયા 85 કરોડની આવક થઇ છે.

એક સર્વે પ્રમાણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાર્ષિક આવક અન્ય સ્થળોની સરખામણીએ સૌથી વધુ જોવા મળી છે. આ સર્વે મુજબ દેશના ટોપ 5 સ્મારકો કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક વધુ નોંધાઈ છે. તાજ મહેલની આવક 56 કરોડ, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક 63 કરોડ થઈ છે. સાથે જ એક વર્ષમાં સ્ટેચ્યુ ખાતે 24 લાખ મુલાકાતીઓ આવ્યા છે.

Leave a Reply