તેલંગણા ઇલેક્શન: KCRની આગાહી સાચી પડી કે પછી કોઇ બીજી ચાલ છે? - The Mailer - India

તેલંગણા ઇલેક્શન: KCRની આગાહી સાચી પડી કે પછી કોઇ બીજી ચાલ છે?

હૈદરાબાદ: 2018માં ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાવાની હતી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મિઝોરમ અને છત્તીસગઢ અને પાછળથી નવું રાજ્ય ઉમેરાયું તેલંગણા! કે.ચંદ્રશેખર રાવે વિધાનસભા ભંગ કર્યો અને 2019ની જગ્યાએ 2018માં જ તેલંગણામાં ઇલેક્શન કરાવી દીધા. પરંતુ, તેની પાછળનો તેમનો તર્ક હજી પણ ઘણાં લોકોની સમજ બહાર છે.

તેલંગણા રાષ્ટ્રવાદી સમિતિની ચોખ્ખી અને સ્પષ્ટ બહુમતી તેલંગણામાં છે અને સ્થાનિક પક્ષ સિવાય વધારેમાં વધારે તો ઓવૈસીને બહુમતી મળે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ માટે તે હજી પણ ગજા બહારની વાત છે, તે માનવું રહ્યું. સાથે જ હજી પણ ચંદ્રશેખર રાવની લહેર તેલંગણામાં ગામડે-ગામડે છે, તેનું કારણ છે નવું રાજ્ય બન્યા બાદ જે કુનેહથી તેમણે રાજ્ય સંભાળ્યું અને યોગ્યતમ પોલિસીઓ લાગુ કરીને તેલંગણાને વિકાસની રાહ પર ગોઠવી દીધું.

આટ-આટલાં મજબૂત પરિબળો હોવા છતાં કેમ ચંદ્રશેખર રાવે ઇલેક્શન વહેલાં કરાવ્યા, તે ખબર ન પડી. કદાચ તેની પાછળના તેમના અનુમાનો આ મુજબ હોઇ શકે-

  • 2019ની લોકસભાની ચૂંટણી અને તેલંગણાની ચૂંટણીનો માહોલ એકસાથે હોવાથી કોંગ્રેસ અને ભાજપ પ્રચાર કરવામાં કસર ન છોડે અને TRSને સીટો ગુમાવવાનો વારો આવે
  • લોકસભામાં જો કોઇ એક ફ્રન્ટની લહેર દોડવા લાગે પછી રાજ્યમાં પણ તેની અસર થાય અને કદાચ ન બનવાનું બની પણ જાય
  • ચંદ્રશેખર રાવ પ્રેક્ટિસ મેચ રમવા માંગતા હોય કે હજી રાજ્યમાં કેટલા ટકા વોટશેર તેમની પાર્ટીને મળી શકે તેમ છે!

આ ઉપરોક્ત જણાવેલ કારણો પર વિચારીને કદાચ ચંદ્રશેખરે વિધાનસભા ભંગ કરી ચૂંટણીઓ કરાવી હોય અને જોકે તેનું ધાર્યુ પરિણામ જ મળ્યું છે. સ્પષ્ટ બહુમતીથી તેલંગણાએ ચંદ્રશેખર રાવનો સ્વીકાર કર્યો છે અને હજી આગળનાં પાંચ વર્ષ ધૂરાં સંભાળવા આપી છે. ત્યારે જોવાનું એ છે કે હવે ચંદ્રશેખર લોકસભા ચૂંટણીમાં કોની તરફ નમે છે! કારણકે ચૂંટણી પ્રચારોમાં તેમણે ભાજપ અને કોંગ્રેસ- બંનેનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો. સાથે જ રાજ્યમાં ઓવૈસીની પાર્ટીની પણ અમુક સીટો નક્કી જ છે, જેનાથી ઓવૈસી પણ મહત્વનો ભાગ ભજવી શકે. અને જો ચંદ્રશેખર રાવ અને ઓવૈસી ભેગા થઇ જાય, તો જે ફ્રન્ટનો તે સાથ આપશે, તેમના માટે મહત્વનું જોડાણ બની રહેશે.

Leave a Reply