શટર ટીવીથી સ્માર્ટ ટીવી- વર્લ્ડ ટેલિવિઝન ડે પર જાણો કેવી રહી આ સફર? - The Mailer - India

શટર ટીવીથી સ્માર્ટ ટીવી- વર્લ્ડ ટેલિવિઝન ડે પર જાણો કેવી રહી આ સફર?

આજે આપણે ઘરે બેઠા બેઠા ટીવીના માધ્યમથી દુનિયાભરમાં બનતી ઘટનાઓને જોઈ શકીએ છે. તેનું પહેલું મોડેલ 1927માં અમેરિકામાં તૈયાર થયું. વર્ષ 1959માં ભારતમાં પહેલું ટીવી આવ્યું. જલ્દીથી જ તેણે ઘરે-ઘરે પોતાનો કબજો જમાવવાનો શરૂ કર્યો. તે વખતે જમાનો હતો બ્લેક એન્ડ વ્હાઇટનો- એટલે દરેક વસ્તુ બે જ કલરમાં દેખાતી.

ટેલિવિઝનનાં દુનિયા પરનાં ખાસ પ્રભાવને કારણે 17 ડિસેમ્બર 1996નાં રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 નવેમ્બરનો વિશ્વ ટેલીવિઝન દિવસ તરીકે જાહેર કર્યો. ટેલીવિઝનની શોધ વર્ષ 1927માં અમેરિકાના વૈજ્ઞાનિક જૉન લૉગી બાયર્ડે કરી હતી. વર્ષ 1934 સુધીમાં ટીવી સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રોનિક સ્વરૂપ ધારણ કરી ચુક્યું હતું. 1938માં ઔપચારિક રીતે જૉન લૉગી બાયર્ડ ટીવીના માર્કેટમાં લઈને આવ્યા. જેના 2 વર્ષ બાદ જ આધુનિક ટીવી સ્ટેશન ખુલ્યા અને લોકો મોટી સંખ્યામાં ટીવી ખરીદવા લાગ્યા.

ભારતમાં ટેલિવિઝનનો પર્યાય- દૂરદર્શન

પ્રથમ પ્રસારણ સેવા શરૂ થયા બાદ ભારત દેશના શક્ય એટલા પ્રદેશને ટેલિવિઝન સાથે જોડવા માટે શક્ય એટલી ઝડપથી લો-ટ્રાંસ્મીટર મુકવાનું ચાલુ થયું, જેનો આંકડો ૧,૪૦૦ સુધી પહોંચ્યો, જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે. ઇ. સ. ૧૯૭૬ સુધી આકાશવાણીના એક પેટા વિભાગ તરીકે રહ્યા બાદ દૂરદર્શનની અલગ સેવા ચાલુ કરવામાં આવી હતી.

સમય બદલાયો અને ૧૯૮૨ માં કલર ટેલિવિઝનનું આગમન થતા તેણે એપ્રિલ ૨૫, ૧૯૮૨ના રોજ પહેલું કલર પ્રસારણ સત્યજીત રેની ફિલ્મ “શતરંજ કે ખિલાડી” થી કર્યું. આજ સમયગાળા દરમ્યાન તેણે ઈન્દિરા ગાંધીના સુચન અનુસાર મનોહર શ્યામ જોષી લીખીત “હમ લોગ” સિરિયલ ચાલુ કરી જેનું પ્રસારણ છેક ડિસેમ્બર ૧૭, ૧૯૮૫ સુધી ચાલ્યું હતું. ત્યાર બાદ તેના પર “રામાયણ” અને “મહાભારત” જેવી સિરિયલોનો દોર શરૂ થયો, જેણે દેશ ભરમાં ધુમ મચાવી હતી.

ઇ.સ.૧૯૯૧માં અખાતી યુધ્ધનાં જીવંત દ્રશ્યો તેણે પ્રથમ વાર પ્રસારિત કર્યા હતાં અને વખતો વખત દુરદર્શન તેનાં પ્રસારણમાં વિવિધતા અનેં આધુનીકતા લાવી રહ્યું છે. આજે દુરદર્શન સેટેલાઇટ દ્વારા વિશ્વનાં કુલ ૧૪૬ દેશોમાં પ્રસારિત થાય છે. અન્ય કોઇ ચેનલ આટલું મોટું નેટવર્ક કે શાખા ધરાવતા નથી.

આજે ઘેર-ઘેર સ્માર્ટ ટીવી આવી ગયા છે, જેમાં તમે યુટ્યુબથી માંડીનો કોઇપણ OTT પ્લેટફોર્મ જોઇ શકો છો. ખરેખર, ટેલિવિઝનની આ સફર ઘણી રોચક રહી છે.

Leave a Reply