જ્હોનિસબર્ગમાં રમાઇ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટનું પરિણામ આજ રોજ આવ્યું હતું. બીજી ટેસ્ટમાં યજમાને ભારતને 7 વિકેટે પરાજય આપ્યો છે. ચોથા દિવસની રમતમાં સાઉથ આફ્રિકાએ 240નાં ટાર્ગેટનો પીછો કરતાં 243 રન ફટકાર્યા હતા.
મેન ઓફ ધ મેચ બન્યા યજમાન કેપ્ટન
મેન ઓફ ધ મેચ સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે 188 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 96 રન બનાવ્યા હતા અને ચાર મહત્વની ભાગીદારી કરીને ભારતને જીતથી દૂર કરી દીધું હતું.
આ પહેલાં ભારતે પ્રથમ ઇનિંગમાં 202 રન બનાવ્યા હતા અને ઓલ આઉટ થયું હતું, ત્યારે સાઉથ આફ્રિકાએ 229 રન ફટકારી લીડ મેળવી હતી. પ્રથમ ઇનિંગમાં શાર્દુલ ઠાકુરે દક્ષિણ આફ્રિકાની 7 વિકેટ ખેરવી હતી અને સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યુ હતું.
બીજી ઇનિંગમાં ભારતીય બેટ્સમેન વધુ સારું પ્રદર્શન ન કરી શકતાં 266માં ફરી ઓલ આઉટ થઇ ગયા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ ટાર્ગેટ ચેઝ કરતાં ફક્ત 3 જ વિકેટ ગુમાવી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની સ્થિતિ
આ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત હાલ ચોથા નંબરે છે, જ્યારે સાઉથ આફ્રિકા પાંચમાં નંબરે છે. ઓસ્ટ્રેલિયા 100% વિનિંગ રેશિયો સાથે ટેબલ પર પ્રથમ ક્રમાંકે છે.
બીજા નંબરે શ્રીલંકા અને ત્રીજા નંબરે પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડ આ ટેબલમાં સૌથી છેલ્લા ક્રમાંકે છે.