ગુજરાતી ફિલ્મો ખરેખર ચાલે છે કે કેમ, તે મુદ્દો તો હંમેશ માટે ચર્ચાનો રહેશે. પરંતુ, ફિલ્મોનો દોર જે એક વખતે અટકી ગયો હતો, તે હવે ફરીથી કાર્યરત થયો છે અને વાર્ષિક 100થી વધુ ગુજરાતી ફિલ્મો રિલીઝ થતી રહે છે, જે ઇન્ડસ્ટ્રી માટે એક સારી બાબત છે.
આવી જ એક ફિલ્મ કે જે સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે કદાચ કવચિત પાનખરમાં વસંત બનીને આવી છે, જે છે- 21 મું ટિફિન. યુવા ડિરેક્ટર વિજયગીરી બાવા અને સાહિત્ય અકાદમી પુરસ્કાર વિનર લેખક રામ મોરીની કસાયેલી કલમે બનેલી આ ફિલ્મ ખરેખર માણવાલાયક છે.
ફિલ્મની વાર્તા એક આધેડ ગૃહિણીની છે, જે તેની પુત્રી અને પતિ સાથે રહે છે. એક સામાન્ય પણ જડ બની ગયેલી જીવનશૈલીમાં ખલેલ પાડવા એક દિવસ એક ફૂટડો નવયુવાન આવે છે અને જાણે તે ગૃહિણીનો મનવગડો ખીલી ઉઠે છે.
View this post on Instagram
ફિલ્મની વાર્તા ફક્ત દર્શકોએ જ નહીં, પરંતુ સ્ટાર એક્ટર એવા હિતેન કુમાર સહિત ઘણાં ગુજરાતી એક્ટર્સ અને નામાંકિત લોકોએ વખાણી છે. ફિલ્મનાં ગીતો પાર્થ તારપરાએ લખ્યા છે, જ્યારે અવાજ મહાલક્ષ્મી ઐયરે આપ્યો છે. ફિલ્મનું ગીત ‘રાહ જુએ શણગાર અધૂરો’ દર્શકોનાં મનમાં વસી ગયું છે. તેને સુમધુર બનાવવા પાછળ પ્રખ્યાત એવા મેહુલ સુરતીનો હાથ છે.
કોઇ એક મહિલાની નહીં, પરંતુ કદાચ હજારો મહિલાની લાગણી સમાવિષ્ટ છે આ ફિલ્મમાં
ફિલ્મની વાર્તા જોકે રામ મોરીનાં પુસ્તક ‘મહોતું’ની એ જ શીર્ષકવાળી વાર્તા પર આધારિત છે. વાર્તામાં ફક્ત લીડ રોલ જ નહીં, પરંતુ જેટલી પણ મહિલાઓ બતાવી છે, તે દરેકની જીવની ક્યાંક ને ક્યાંક હજારો મહિલાઓ સાથે જોડાયેલી છે. ચાહે તે પડોશી પૂર્વીનો રોલ હોય કે પછી નીતુનો કે નીતુની નાનીનો! એક જ વાર્તામાં આટલા બધા લાગણીભર્યા તત્વોનો સમાવિષ્ટ કરવો એ ખરેખર કારીગરી છે.
સાથે જ ફિલ્મનું ગીત એક દક્ષિણ ભારતીય ગીતકારે ગાયું છે, જે ખરેખર અદ્ભૂત પ્રયોગ છે.