અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. દિવંગત વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે પાર્ટી હાઈકમાન્ડ સામે હતાશા વ્યક્ત કરીને પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. તેણે ટ્વીટ કર્યું કે હું રાહ જોઈને થાકી ગયો છું. હાઈકમાન્ડ તરફથી કોઈ પ્રોત્સાહન નથી. હું મારા વિકલ્પો ખુલ્લા રાખું છું.
Tired of waiting around. No encouragement from the top brass. Keeping my options open
— Faisal Patel (@mfaisalpatel) April 5, 2022
ગયા મહિનાના અંતમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં તેમના ઔપચારિક પ્રવેશ વિશે હજુ સુધી ચોક્કસ નથી. જો કે, તેઓ તેમના ગૃહ જિલ્લામાં ભરૂચ અને નર્મદામાં પડદા પાછળ પક્ષ માટે કામ કરશે. રવિવારે એક ટ્વિટમાં ફૈઝલે કહ્યું હતું કે, 1લી એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોની મુલાકાત લઈશ.
વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે
ફૈસલે ટ્વીટમાં આગળ લખ્યું, ‘મારી ટીમ રાજકીય પરિસ્થિતિની વર્તમાન વાસ્તવિકતાનું મૂલ્યાંકન કરશે અને અમારા મુખ્ય લક્ષ્યને પૂરા કરવા માટે જરૂર પડ્યે મોટા ફેરફારો કરશે.’
આ પછી આજે ફૈઝલ પટેલના ટ્વીટના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ફૈઝલે કહ્યું હતું કે તે અત્યારે રાજકારણમાં નથી જોડાઈ રહ્યો અને પાર્ટીમાં જોડાવાની ખાતરી નથી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ જો કોંગ્રેસ પાર્ટી છોડે છે તો પાર્ટીને મોટું નુકસાન પહોંચી શકે છે.