સમગ્ર ગુજરાતમાં જાણે જાહેરમાં નોનવેજની લારીઓ પર તવાઇ કરવામાં આવી છે. રાજકોટથી શરૂઆત થઇ હતી, જ્યારબાદ વડોદરા, ભાવનગર, જૂનાગઢનાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓ ઊભી રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેનો અમલ હવે અમદાવાદમાં પણ થશે.
આવતીકાલ મંગળવારથી શહેરના મુખ્ય માર્ગો, સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓ પર ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓને હટાવવા માટે ડ્રાઇવ શરૂ કરવામા આવશે અને સાતેય ઝોનમાં તેની કાર્યવાહી થશે.
આ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પસાર થયો હતો કે સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓના 100 મીટરમાં આવી લારીઓ ઉભી રાખી શકાય નહીં.
આમ, હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
શું કોર્પોરેશન પાસે આટલી લારીઓથી ઊભાં થતાં રોજગાર માટે કોઇ ઠોસ પ્લાન છે?
કાયદાકીય રીતે જોઇએ તો કોર્પોરેશનની વાત સાચી છે, પરંતુ શું ખરેખર તે બધા માટે અનુરૂપ છે ખરો? કેટલાંય એવાં લોકો છે, જેમના ઘર આ લારી પર જ ચાલે છે અને અચાનકથી તેમની આવક બંધ થવાને કારણે ફરી સામાન્ય જનનાં જનજીવન પર ફટકો પડી શકે તેમ છે. સાથે જ જ્યારે સત્તાધીશો પ્રજાનાં ભલા માટે કોઇ નિર્ણય લાગુ કરતાં હોય ત્યારે તેમણે ફક્ત એક બાજુ નહીં પરંતુ સમસ્યાનાં દરેક પાસાઓનો વિચાર કરવાનો હોય છે. જો લાયસન્સ વગર ફૂડ ન વેચી શકાય, તો કોર્પોરેશન દ્વારા કોઇ પહેલ કરવામાં આવશે, જેનાથી હજારો લોકોની રોજગારી અચાનક બંધ ન થાય? સવાલનો જવાબ મળે તો સારું છે.