બોલિવુડનાં પીઢ ગાયિકા અને સ્વરકોકિલા કે ભાગ્યે જ કોઇ ભાષામાં જેમણે ગીત નહીં ગાયા હોય એવા લત્તા મંગેશકરજીએ આજરોજ દુનિયાને અલવિદા કહી છે. આ સમાચારથી જ સમગ્ર બોલિવુડ સહિત સમગ્ર દેશ શોકમગ્ન થઇ ગયો છે.
નાનપણથી જ હતી કળા પ્રત્યે રૂચિ
મરાઠી એક્ટર પંડિત દિનાનાથ મંગેશકરનાં ઘેર ઇન્દોરમાં વર્ષ 1929માં તેમનો જન્મ થયો હતો. નાનપણથી જ કળા પ્રત્યે પરિવારજનોની લાગણી જોઇને તેઓ પણ તે દિશામાં દોરવાયા. તેમની અન્ય બહેનોમાં મીના, આશા અને ઉષા મંગેશકરનો સમાવેશ થાય છે, તથા ભાઇ હ્રદયનાથ મંગેશકર હતા.
ફક્ત પાંચ વર્ષની વયે તેમણે તેમના પિતાનાં એક સંગીત નાટકમાં કામ કરવાથી કળાક્ષેત્રે પોતાનાં પગરવ માંડ્યા હતા. મુંબઇ શિફ્ટ થયા બાદ તેમણે ભીંડીબજાર ઘરાનાનાં ઉસ્તાદ અમાન અલી ખાં પાસેથી ભારતીય સંગીતનું શિક્ષણ લેવાનું શરૂ કર્યુ હતું.
બોલિવુડમાં હતી તેમની ગાયિકીની ધૂમ
વર્ષ 1942માં લત્તા મંગેશકરે બોલિવુડ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારે વર્ષ 1948 થી લઇને વર્ષ 1987 સુધીમાં તેમના નામે લગભગ 28,000 થી વધુ ગીતોનો સમાવેશ થાય છે, જે કોઇપણ ગાયક કરતાં ઘણાં વધારે છે. આ ગીતોમાં હિન્દીથી લઇને ગુજરાતી, તમિલ, મરાઠી, બંગાળી, કન્નડા સહિત 36 બોલી અને ભાષાઓમાં તથા 6 વિદેશી ભાષાઓનાં ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.