કપડવંજના મોટીઝેરમાં રહેતી સાળીને બદનામ કરવા માટે અંતિસર ગામના બનેવીએ ગામમાં પેમ્ફલેટ ફરતા કરી બિભત્સ લખાણ ફરતું કરતા નાના એવા ગામમાં ચકચાર મચી છે. આ બનાવ અંગે સાળીએ બનેવી સામે કપડવંજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજ તાલુકાના મોટીઝેરની મહિલાની નાનીબેનનાં લગ્ન લગ્ન કપડવંજ તાલુકાના અંતીસરમાં રહેતા હરીશ વિનુભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા નાના-મોટા ઝઘડા થવા લાગ્યા હતા. જેના પગલે પત્નીએ પોતાના પતિ સામે ફરિયાદ તેમજ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો, હાલમાં આ દાવો કોર્ટમાં ચાલુ છે.
બીજી બાજુ હરીશ વિનુભાઈ પટેલને મનમાં એવી શંકા હતી કે પોતાની પત્નીની મોટી બહેન અને તેનો પતિ આવા કેસ કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જેનાં પગલે હરીશ પટેલે મોટીઝેરમાં રહેતી પોતાની સાળીને ત્યાં આવી તમે જ મારી પત્નીને ઉશ્કેરી આવા ખોટા કેસ કરાવો છો અને આ કેસો પાછા ખેંચી લો નહીં તો તમને બદનામ કરી નાખીશ, તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ બનાવ બાદ થોડા દિવસ પછી મોટીઝેર ગામના વિવિધ ઠેકાણે હરીશભાઇ વિનુભાઈ પટેલે પોતાની સાળીને બદનામ કરવાના હેતુસર બિભત્સ લખાણ તેમજ મોબાઈલ નંબર લખેલા કાગળો ફરતા કર્યા હતા. તેમજ વિવિધ ઠેકાણે દિવાલે પણ ચોંટાડ્યા હતા. જેની જાણ હરેશ પટેલની સાળીને થતા તેમણે કપડવંજ રૂરલ પોલીસમાં હરીશ વિનુભાઈ પટેલ સામે ફરિયાદ આપી હતી.
પોલીસે આ અંગે આઈપીસી 292,500,501,506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.