આજરોજ સમગ્ર ગુજરાતમાં માં ખોડિયાર જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં આજે મોટાભાગનાં ખોડિયાર મંદિરોમાં માતાજીની જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે.
ખોડિયાર મંદિરમાં આ દિવસે હવન-યજ્ઞ તથા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડિયાર માતાજીના પ્રાગટય દિને સમગ્ર જિલ્લાના ખોડિયાર મંદિરો માઈ ભક્તોથી ઉભરાયા છે. આ દિવસે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર માતાજીના દરબારમાં જોવા મળ્યુ હતું.
આજનાં વિશેષ દિવસ દરમિયાન વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયાં હતાં . જેમાં નવચંડીયજ્ઞ અને અન્નકૂટ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. નડિયાદમાં આવેલ ખોડિયાર મંદિરમાં આ દિવસે સવારથી જ ભક્તો ઉમટ્યા હતા . માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માતાજીનો વિશિષ્ટ શણગાર પણ કરવામાં આવ્યો હતો, જ્યારે નડિયાદ નવારાવપુરામાં આવેલ બુટભવાની માતાજીના મંદિરમાં ખોડિયાર જયંતિની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધજા રોહણ સહિત અન્નકુટનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંકજ રાવ, હીતેશ રાવ, ચીમન ઈમાનદાર, ગોપીનાથ રાવ જેવા મહાનુભાવો સહિત માઇભક્તો હાજર રહ્યા હતા.