આજરોજ ભારતમાં વાર્ષિક બજેટ રજૂ થયું હતું, જેમાં ડિજિટાઇઝેશનની સાથે સ્માર્ટ પબ્લિક સર્વિસ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. દેશમાં જ્યારે એક તરફ સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવાની વાતો ચાલે છે, ત્યારે અમદાવાદમાં નારોલ પોલીસ સ્ટેશનમાં બાથરૂમ કરવાનાં બહાને આરોપી પોલીસને થાપ આપીને ફરાર થઇ ગયો છે. આ ઘટના સામે આવતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ છે.
આંતર-રાજ્ય ચેઈન સ્નેચિંગ કરતા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપી હવાઈ માર્ગે મુસાફરી કરી ગુજરાતની સાથે બેંગલુરુ અને હૈદરાબાદમાં પણ ચેઈન સ્નેચિંગ કરતો હતો.
આ આરોપીએ હૈદરાબાદમાં એક જ દિવસમાં 8 ચેઈન સ્નેચિંગ કરતા તેની ઉપર ઈનામ પણ જાહેર કર્યુ હતું, તેની ધરપકડ કરવામાં આવતાં 18 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી નારોલ પોલીસને સોંપ્યો હતો. ત્યારે આ ઘટના બનવા પામી હતી.
જોકે નારોલ પોલીસ સ્ટેશનમાંથી આરોપી શૌચ કરવાના બહાને તકનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો.