હિંદુ ધર્મમાં સનાતમ કાળમાં બોલચાલ માટે વપરાતી દેવવાણી એટલે કે સંસ્કૃત હાલમાં ફક્ત ચોપડીઓમાં જ વસે છે. પરંતુ દક્ષિણ ભારતમાં એક એવું ગામ છે કે જ્યાં હજી પણ સંસ્કૃતને બોલચાલની ભાષા તરીકે વાપરવામાં આવે છે.
કર્ણાટકનાં શિમોગા જીલ્લામાં આવેલાં મત્તુર ગામમાં તમે જશો તો આબાલ-વૃદ્ધ દરેકનાં મુખવદનેથી સંસ્કૃત શબ્દો સાંભળી શકશો.
5000ની વસ્તી ધરાવતાં આ ગામે સંસ્કૃતને હજી જાળવી રાખી છે. આસપાસનાં ગામનાં લોકો પણ અહીં સંસ્કૃત શીખવા આવે છે.
તુંગા નદીને કાંઠે આવેલ આ ગામમાં 21મી સદીની દરેક સગવડ છે અને સાથે ગ્રામજનોએ સંસ્કૃતને પણ જાળવી રાખ્યું છે. અહીંના બાળકો સંસ્કૃતની સાથે સ્માર્ટફોન પણ વાપરી જાણે છે. એટલું જ નહીં, અહીં સંસ્કૃત શીખવા માટે કોઇ પ્રકારની કિંમત ચૂકવવી નથી પડતી.
મત્તુરનાં સંસ્કૃતના મુખ્ય આચાર્યનાં જણાવ્યા મુજબ તેઓ સ્કાઇપ પર પણ સંસ્કૃત શીખવા ઉત્સુક લોકોને સંસ્કૃત નિ:શુલ્ક શીખવે છે. સંસ્કૃતનાં મહત્વ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “સંસ્કૃત એ મૂળ ભાષા છે, જેના પરથી આજની ભાષાઓ વિકસિત થઇ છે. જેમ કે मनु પરથી Man અથવા તો માણસ અને चम्पी પરથી ચંપી કે Shampoo વગેરે. આમ, અંગ્રેજી ભાષાનાં ઘણાં શબ્દો સંસ્કૃત પરથી આવ્યાં છે, તેમ કહી શકાય.”
ઘણાં વિદેશીઓ અહીં સંસ્કૃત શીખવા આવે છે, જેમને ગ્રામજનો પોતાના ઘેર જ ઉતારો આપે છે અને તેમની સરભરા કરે છે. સાથે જ મહત્વનું એ પણ છે કે, આ ગામમાંથી દરેક ઘરમાં એક IT એન્જીનીયર છે. આમ, ફક્ત સંસ્કૃતિ સાચવવી જ અહીંનો મુખ્ય ઉદ્દેશ નથી, પરંતુ આધુનિકતાને તેમાં ઉમેરીને કઇ રીતે તેનો સમન્વય કરવો, તેનું ઉત્તમ ઉદાહરણ છે.
આમ, 21મી સદીમાં પણ આ ગામ આજે ભારતીય સંસ્કૃતિની મૂળભૂત ગરિમા જાળવીને બેઠું છે, તેમ કહી શકાય.