ગાંધીનગર: ગાંધીનાં ગુજરાતમાં પાંચ એવા ગામડાંઓ છે, જેમને દારૂબંધીમાંથી છૂટ મળશે. મહત્વનું છે કે, ગુજરાતને અડીને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે, ત્યારે દક્ષિણ વિસ્તારમાં દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામોને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવાશે, જેથી તેમને દારૂબંધીમાંથી છૂટ મળશે.
આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકિનારે દીવના પ્રદેશની નજીક આવેલા ગામનો વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશમાં સામેલ થશે ત્યારે આ વિસ્તારના ગામોને દારૂબંધીનો કાયદો નડશે નહીં.
આ અંગે જે ગામોનો સમાવેશ કરવામાં આવનાર છે, તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામો છે, જેમાં મેઘવાલ, નગર, રાયમલ અને મધુબન નામનાં ગામનો સમાવેશ થાય છે. આ સિવાય સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા ગોઘલા ગામનો એક ભાગ દીવના પ્રદેશને સોંપવામાં આવનાર છે. આમ કુલ પાંચ ગામ એવાં છે કે જેમનો મર્યાદિત વિસ્તાર કેન્દ્રશાસિત પ્રદેશમાં ભળી જશે. આ નિર્ણય કેન્દ્રના ગૃહ મંત્રાલયે કર્યો છે.
ગોવામાં 28મી જાન્યુઆરીએ યોજાનારી પશ્ચિમી કાઉન્સિલની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણયને બહાલી આપવામાં આવી શકે છે. આ નવા પ્રદેશો કેન્દ્રશાસિત થઇ જતાં ત્યાં ટુરિઝમ એક્ટિવિટીને વધારે મહત્વ મળશે.