ભાવનગર અને અન્યાય એ બે શબ્દો પર્યાય હોય તેવી રીતે એક અથવા અન્ય જગ્યાએ ભાવનગર સાથે સતત અન્યાય થતો આવ્યો છે. ભાવનગરથી મુંબઇ વચ્ચે ચાલતી એર ઇન્ડિયા તળેની એલાયન્સ એરની હવાઈ સેવા 70 ટકા ટ્રાફિક હોવા છતાં આગામી તારીખ 7મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગરથી મુંબઇ વચ્ચે એલાયન્સ એર અને સ્પાઇસ જેટની ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી રહી છે. ભાવનગરથી મુંબઇ વચ્ચે સારો ટ્રાફિક મળી રહે છે.
એર ઇન્ડિયા દ્વારા ભાવનગર થી મુંબઈ અને મુંબઇથી ભાવનગર વચ્ચે હવાઈ સેવા સંચાલિત કરવામાં આવી રહી હતી, અને તેના મુસાફરો દ્વારા સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો હતો. પરંતુ એકાએક એર ઇન્ડિયા દ્વારા આગામી તારીખ 7મી માર્ચ થી ભાવનગર મુંબઈ અને મુંબઈ ભાવનગર વચ્ચેની હવાઈ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે વાતચીત કરતાં એર ઇન્ડિયાના ભાવનગર ખાતેના સ્ટેશન મેનેજર અશોક સન્માનકરને જણાવ્યું હતું કે, વ્યાવસાયિક કારણોસર ભાવનગર મુંબઈ વચ્ચેની એર ઇન્ડિયાની ફ્લાઇટ બંધ કરવાનો ઉચ્ચકક્ષાએથી નિર્ણય લેવામાં આવેલો છે.