રાજકોટ ખાતેનાં એક કાર્યક્રમમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે જેને જે સારું લાગતું હોય તે રાજ્ય કે દેશમાં બાળકોના સર્ટિફિકેટ લઈને જતું રહેવું જોઈએ. અહીંયા રહેવું નથી તેવું કહેનારા જ્યાં સારું લાગતું હોય ત્યાં જઈ શકે છે. આ પ્રકારના નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું. ગુજરાતની શિક્ષણ નીતિ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ સવાલો ઉઠાવ્યા હતા.
“રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જે નિવેદન કર્યું છે એ મુજબ એનો મતલબ એવો થયો કે રાજ્યમાં શિક્ષણ એ બરાબર નથી ચાલતું એટલે જ તેઓ બીજા રાજ્યની અંદર જવા માટે કહી રહ્યા છે,” તેમ કહી આપ નેતા ગોપાલ ઇટાલીયા વળતો પ્રહાર જીતુ વાઘાણી ના આ નિવેદનને લઈને કર્યો હતો.
ગોપાલ ઇટાલીયા એ વધુમાં જણાવતા વાત કરી કે, શિક્ષણ મંત્રીએ એવું કહ્યું કે બીજા રાજ્યની અંદર કે વિદેશની અંદર તમે ભણવા જઈ શકો છો એનો મતલબ કે ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની અંદર સારું શિક્ષણ આપવાનો પ્રયત્ન નથી કર્યો, જે ખુદ સ્વીકારી રહ્યા છે.
જો ગુજરાતનું શિક્ષણ નિષ્ફળ ના ગયું હોત તો ગુજરાતના શિક્ષણ ને લઈને સામેથી આ વાત જીતુભાઈ વાઘાણી ના કહી હોત. તેઓ ખુદ એવું કહેવું જોઈએ કે વિદેશના કે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અહીં આવો તમારા માટે જુદા જુદા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુ રાજ્યના શિક્ષણ મંત્રી ખુદ એવું કહી રહ્યા છે કે તમે બીજા રાજ્યમાં જતા રહો.
અહીં તમારા માટે ભણવાની કોઈ વ્યવસ્થા નથી તેમ કહી ગોપાલ ઇટાલીયા એ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ના આ નિવેદનને લઈને કટાક્ષ કર્યા હતા અને ગુજરાતની શિક્ષણ નીતિ પર સવાલો આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ઉઠાવ્યા હતા.