શિયાળો એટલે લીલાં શાકભાજીનો ભંડાર અને લીલા શાકભાજી એટલે વિવિધ ગુણોનો ખજાનો! ખાસ તો લીલી ભાજી, લીલું લસણ, ડુંગળી અને વિવિધ પ્રકારનાં શાકભાજી જે શિયાળામાં જ સૌથી વધારે જોવા મળે છે, તે સ્વાદમાં પણ ખરેખર મજાનાં હોય છે અને તેઓ શરીર માટે ગુણકારી તો હોય જ છે!
બાજરીનાં રોટલા સાથે લાગે છે મસ્ત
લીલું લસણ લગભગ તો દરેક શાકભાજીમાં ઉમેરવાથી તેમાં એક ખાસ ટેસ્ટ ઉમેરાય છે, પરંતુ રીંગણનાં ઓળા સાથે તે ઉમેરતાં એકદમ દમદાર ઓળો બને છે અને તેને બાજરીનાં રોટલા સાથે ખાવાથી મજ્જો મજ્જો પડી જાય છે.
આ ઉપરાંત, સાદી ખીચડી સાથે પણ લીલું લસણ ઘીમાં સાંતળીને ખાવાથી મજા આવે છે અને ખાસ કરીને ગામડામાં લીલાં લસણને કોલસા વચ્ચે ઘીમાં શેકવામાં આવે છે, જેના કારણે એક ખાસ પ્રકારની સોડમ ખાવામાં ભળે છે.