છેલ્લાં વર્ષથી આપણે સોશિયલ મીડિયા પર અને સમાચારમાં ન્યૂઝ અને વીડિયોઝ જોઇ રહ્યા છીએ કે કોઇ યુવાનનું ક્રિકેટ રમતાં કે જીમમાં અથવા તો લગ્નમાં ડાન્સ કરતાં કરતાં એટેકને કારણે મૃત્યુ થઇ રહ્યા છે. ત્યારે આ સમાચારોની ફ્રિકવન્સી દિવસે ને દિવસે વધી રહી છે, તેમાં પણ ખાસ કરીને 25 થી 35 વર્ષની વયમાં આ કેસ વધુ જોવા મળ્યા છે.
શું કહે છે નિષ્ણાતો?
દિલ્હીની G B Pant Hospital નાં જાણીતાં કાર્ડિયોલોજિસ્ટ ડો. મોહિત દયાળ ગુપ્તા જણાવે છે કે, 20 થી 25% હાર્ટ એટેક મોટાભાગે 18-40 ની વય ધરાવતાં લોકોમાં જોવા મળી રહ્યા છે.
Cardiology Society of India નાં જણાવ્યા મુજબ ભારત એ ક્રોનિક હાર્ટ ડિસીઝનું કેપિટલ છે. પશ્વિમી દેશો કરતાં ભારતમાં હ્રદયની બિમારીમાં વધારો જોવા મળી રહ્યો છે.
અન્ય મહત્વનાં કારણોમાં આજકાલનાં યુવાનોમાં વધી રહેલું હાઇપરટેન્શન અને વ્યસનની આદતો પણ તેના માટે જવાબદાર છે. ચેઇન સ્મોકિંગ, અનિયમિત ઊંઘ અને ખોરાકની આદતોને કારણે શરીરમાં ફેરફારો જોવા મળે છે, જે આગળ જતાં મોટી બિમારી નોતરે છે.
યુવાનોએ અપનાવવી જોઇએ આ આદતો
મહત્વનું છે કે, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનાં આ જમાનામાં લોકોનાં સ્ક્રિન ટાઇમિંગ પણ વધી રહ્યા છે અને સાથોસાથ આજથી દસ વર્ષ પહેલાં વ્યક્તિ જેટલું ચાલતો હતો, તે હાલમાં ઘણું ઓછું થયું છે. ત્યારે શરીરને સ્વસ્થ રાખવા માટે અને સાથે જ હાર્ટ એટેક જેવી ઘાતક બિમારીઓથી બચવા માટે આ હેલ્ધી ટિપ્સ અપનાવો અને શરીરને બિમારીઓથી દૂર રાખો
- નિયમિત કસરત કરો અથવા તો શરીરને હરતું-ફરતું રાખો. જો કસરત ન કરી શકતાં હોવ તો એટલીસ્ટ રોજ 30-40 મિનિટ સુધી વોક કરો.
- ચરબીવાળો ખોરાક ટાળો. પીઝા, સેન્ડવિચની સાથોસાથ હેલ્ધી ખોરાક પણ લેવાનું રાખવું જોઇએ, જેથી શરીરમાં અપ્રમાણસર ચરબી જમા ન થાય.
- જ્યારે પણ શરીરમાં અનિયમિત ફેરફાર દેખાય જેવા કે થોડુંક ચાલવાથી હાંફ ચઢવો કે પછી શ્વાસ લેવામાં તકલીફ, ત્યારે ખાસ ડોક્ટરને કન્સલ્ટ કરો. સાથોસાથ નિયમિત બોડી ચેક-અપ કરાવતાં રહો.