Monday, June 5, 2023
Google search engine
HomeGujaratઆ ખેડૂત દંપત્તિ મેળવી રહ્યું છે અઢળક ફાયદા બાયોગેસ પ્લાન્ટનાં, જાણો કઇ...

આ ખેડૂત દંપત્તિ મેળવી રહ્યું છે અઢળક ફાયદા બાયોગેસ પ્લાન્ટનાં, જાણો કઇ રીતે?

ગોબરધન યોજના અંતર્ગત ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવી નાણાંના બચાવ સાથે સ્વાસ્થ્યનું રક્ષણ અને પર્યાવરણનાં જતન સહિત અનેક લાભ મેળવી રહ્યાં છે આ ખેડૂત મહિલા

 

“લાકડાંથી ચૂલો સળગાવી રસોઇ કરતી વખતે ધુમાડાને કારણે આંખોમાં બળતરા થતી હતી, પરંતુ હવે અમે આ ગેસ પર દૂધ, પાણી ગરમ કરીએ છીએ, રોટલા ઘડીએ છીએ અને સરળતાથી બધી જ રસોઈ બનાવીએ છીએ. પહેલાં અમારે ગેસના બાટલા લેવાનો ખર્ચ થતો પણ હવે તો અમારે ઘરે જ બાયોગેસ પ્લાન્ટ હોવાથી અમને ખૂબ પરવડે છે. મહેમાનો આવ્યાં હોય તો પણ આ ગેસ ખૂબ ઉપયોગી બને છે અને ખર્ચ પણ નહિવત થાય છે.” આ શબ્દો છે ગઢડા તાલુકાના કેરાળા ગામના વતની સુરતાબેન હસમુખભાઈ તાવિયાના.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પ્લાન્ટમાંથી અમને ગેસ તો મળે જ છે સાથોસાથ એમાંથી જે સ્લરી નીકળે છે તેનો અમે ખાતર તરીકે ઉપયોગ કરી શાકભાજી-અનાજ પકાવીએ છીએ. જેથી અમને ઇંધણ અને ખાતર બંનેનો એકસાથે લાભ મળે છે.”

સુરતાબેન ખેતરમાં સરકારની ગોબરધન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવી પૈસાના બચાવ સાથે સ્વાસ્થ્યનું રક્ષણ અને પર્યાવરણનાં જતન સહિતનાં અઢળક લાભો મેળવી રહ્યા છે. ગોબરધન યોજના વિશે માહિતી આપતા સ્વચ્છ ભારત મિશનના બોટાદ જિલ્લા કોર્ડિનેટર ઘનશ્યામભાઈ ખુમાને જણાવ્યું હતું કે, “સ્વચ્છ ભારત મિશન –ગ્રામીણ યોજના અંતર્ગત ગોબરધન યોજના ભારત સરકારની એક મહત્વની યોજના છે. જેમાં બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં પશુછાણ તેમજ બાયોડીગ્રેબલ વેસ્ટ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામ્ય વિસ્તારોમાં વૈકલ્પિક ઉર્જા-સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય અને રોજગારીનો સ્ત્રોત ઉભો કરવાનો ઉદેશ્ય છે.”

ઘનશ્યામભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, “આ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે કુલ યુનિટ કોસ્ટ ૪૨,૦૦૦ રૂપિયા થાય છે. પરંતુ સરકાર દ્વારા ૩૭,૦૦૦ રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. લાભાર્થીએ માત્ર ૫૦૦૦ રૂપિયાનો લોકફાળો ભરવાનો થાય છે. પ્લાન્ટ બનાવવા માટે ૬ ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે. આ ખાડો તૈયાર થઇ ગયા બાદ પ્લાસ્ટિકનું બલુન અને બીજી અન્ય જરૂરી સામગ્રી ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જે પ્લાસ્ટિકના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે, તેનું મટિરિયલ હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે. આ બલૂનને ઠંડી, ગરમી, વરસાદ કે આગથી પણ નુકસાન થતું નથી.”

ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્યને વધુ સુદ્રઠ બનાવવા માટે સરકારશ્રીનો આ ઉમદા નિર્ણય છે. ગોબરધન યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાંથી કચરો દૂર કરીને પર્યાવરણીય સ્વચ્છતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments