કુલડીમાં પીરસવામાં આવતી સ્વાદિષ્ટ ચાએ ચાના શોખીનોમાં આકર્ષણ જમાવ્યું: દરરોજ ૨૫૦ જેટલા ચાપ્રેમીઓ સ્ટોલ પર ‘કુલડીની ચા’ની લિજ્જત માણવા આવે છે
વિવિધ મસાલાઓ અને ઓર્ગેનિક વનસ્પતિનો અર્ક ચાને બનાવે છે વધુ લહેજતદાર
સુરત: એવું કહેવાય છે કે ‘ચા બગડી એનો દિવસ બગડ્યો..’ ગુજરાતીઓના જીવનમાં ચાનું મહાત્મ્ય અનેરૂ છે. મસાલેદાર ચા વિના દિવસ તેમનો દિવસ અધૂરો હોય છે. ચાપ્રેમીઓને ચાની ચુસ્કી મળી જાય એટલે દિવસ આખો ખુશનુમા પસાર થાય. સુરતમાં ઉમરા પાર્ટી પ્લોટમાં શ્રી પછાત મહિલા વિકાસ મંડળ-ભાવનગર તથા શર્વરીસેતુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા.૨ થી ૮ એપ્રિલ સુધી આયોજિત વૈદુભગતના મેળામાં ‘કુલડીની ચા’ એ આકર્ષણ જમાવ્યું છે. દેશી કુલડીમાં પીરસવામાં આવતી સ્વાદિષ્ટ ચાના સ્ટોલ પર ચાના શોખીનોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરરોજ ૨૫૦ જેટલા ચાપ્રેમીઓ સ્ટોલ પર કુલડીની ચાની લિજ્જત માણવા આવે છે.
તુલસી, આદુ, ફૂદીનો, ઈલાઈચી અને આયુર્વેદિક, ઓર્ગેનિક ઔષધિઓના મિશ્રણ સાથે અનોખી રીતે બનતી કુલડીની તંદુર ચાનો એક અલાયદો ચાહકવર્ગ છે. તંદુર ચાનો સ્ટોલ ધરાવનાર આદિવાસી મહિલા હંસાબેન ચાવાળા જણાવે છે કે, કુલડીની ચા પરંપરાગત ચા કરતા વિશેષ સ્વાદ ધરાવે છે. હોટલોમાં તંદુર રોટીને ભઠ્ઠામાં શેકવામાં આવે છે, એ જ રીતે કોલસાના ભઠ્ઠામાં ચિનાઈ માટીની કુલડીઓ રાખીને ગરમ કરવામાં આવે છે.
કુલડીઓ ખૂબ ગરમ થાય એટલે તેને ચિપીયા વડે બહાર કાઢીને પિત્તળના પાત્રમાં રાખી તેમાં સ્ટવ પર તૈયાર કરેલી મસાલેદાર ચા રેડવામાં આવે છે. જેના કારણે ગરમ ચિનાઈ માટીની કુલડીમાં માટીનો સ્વાદ ભળી જાય છે અને ચાનો સ્વાદ અતિ મીઠો અને લહેજતદાર બને છે.
ચા બનાવનાર વિશેષજ્ઞ પ્રવિણભાઈ કંટારીયાએ કહ્યુ કે, કુલડીમાં ખાસ ઔષધિનો અર્ક પણ ઉમેરવામાં આવે છે. પિત્તળ અને માટીના પાત્રો પણ આ ચાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ઔષધિઓ ખરીદવા આવતા મુલાકાતીઓ અમારી ચા પીવા મોટી સંખ્યામાં આવે છે. ઘણા મુલાકાતીઓ નાગલી બનાવટના બિસ્કીટ, અડદ મકાઈના વડા તથા નાગલી રોટલા-રોટલી સાથે ચા પીવાની મજા માણી રહ્યા છે.