હાર્દિક પટેલે 23 માર્ચ સુધી પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા કેસ પરત ખેચવાની માંગ કરી છે. SPGના અધ્યક્ષ લાલજી પટેલે હાર્દિક પટેલની જાહેરાતને સમર્થન આપ્યુ છે. લાલજી પટેલે કહ્યુ કે, પાટીદારોના મુદ્દા સોલ્વ નહી થાય તો ભાજપને ભારે પડશે. પાટીદારોની રણનીતિને લઇને લાલજી પટેલે ખાસ વાતચીત કરી હતી.
પાટીદારોની આગળની રણનીતિ શું રહેશે? તમે સમર્થન કરો છો?
હાં, ચોક્કસ, છેલ્લા 6 વર્ષથી એસપીજી અને પાટીદારોને સાથે રાખી અમે બે મુદ્દા પર લડીએ છીએ. પાટીદારો પર અનામત આંદોલન વખતે જેટલા પણ કેસ થયા તે પરત ખેચવાની અમારી માંગ છે. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમે રજૂઆત કરી હતી, વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા તે સમયે પણ અમે રજૂઆત કરી હતી અને હવે છેલ્લે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ અમે રજૂઆત કરી હતી. અમારી માંગણી સ્વીકારવામાં આવતી નથી. છેલ્લે વડીલો સાથે મુખ્યમંત્રીને મળ્યા ત્યારે પણ ત્રણ મહિનાનો સમય આપ્યો કે ત્રણ મહિનામાં અમે કેસો પરત ખેચીશુ. હજુ સુધી તેનું પરિણામ આવ્યુ નથી. આવનારા સમયમાં ફરીથી આંદોલન કરી, મીટિંગ કરી વડીલોને સાથે રાખી નક્કી કરીશુ કે કઇ રીતે આગળ વધીશુ. અમને તો સરકારે ખોટા પાડ્યા પણ વડીલો આગળ પણ કમિટમેન્ટ કર્યુ હતુ કે ત્રણ મહિનાની અંદર કેસો પરત ખેચીશુ, હજુ તે પણ પરિણામ મળ્યુ નથી. વડીલોને સાથે રાખીને ફરીથી ચર્ચા કરવા થવાની થાય તો ચર્ચા કરીશુ અને આગળ જે પણ રણનીતિ નક્કી થાય, બહુમતીથી તે નક્કી કરીશુ.
ચૂંટણીને લઇને રણનીતિ શું રહેશે?
ચૂંટણીની અંદર તો અમારા પાટીદાર સમાજના બે મુદ્દા હલ નહી થાય તો ચોક્કસ ભાજપ સરકારને તકલીફ પડી જશે અને આ મુદ્દા કોઇ વ્યક્તિગત લાલજી પટેલ કે બીજા કોઇ વ્યક્તિના વ્યક્તિગત મુદ્દા નથી, આ સમાજનો મુદ્દો છે અને ઘણા વર્ષથી સમાજ લડી રહ્યો છે.
તમે રાજકારણમાં આવશો?
બિલકુલ નહી, છેલ્લા 28 વર્ષથી એસપીજી પાટીદાર સમાજની સેવા કરૂ છુ, ક્યારેય રાજકારણમાં જવા વિશે વિચાર્યુ નથી. 28 વર્ષમાં કેટલાય ઇલેક્શન આવ્યા અને કેટલીય ઓફર આવી તો પણ ફગાવી દીધી. એસપીજી થકી પાટીદાર સમાજની મુશ્કેલી હોય, સમાજ સેવા થાય એટલુ જ કામ કરવાનું. રાજકારણમાં ક્યારેય નહી આવુ.
આંદોલનની આગળની રણનીતિ શું છે?
મીટિંગ બોલાવ્યા પછી આગળની રણનીતિ નક્કી કરીશું.