પોરબંદર માછીમાર બોટ એસોસિએશન અને પિલાણા એસોસિએશનની એક મીટીંગનું આયોજન ખારવા સમાજના વાણોટ પવનભાઇ શિયાળના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
આ સામાન્ય સભામાં બંદરને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં માછીમાર બોટ એસોસિએશનના યુવા પમુખ મુકેશભાઇ પાંજરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગત તા.૩ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં માછીમારોના પશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સકારાત્મક વલણ દાખવ્યું હતું.
ખાસ કરીને બોટ પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે બાપા સીતારામથી માપલાવાળી વિસ્તારમાં ૬૦.રપ કરોડના ખર્ચે ૮૦૦ મીટર વર્ફવોલ અને ડે્રજીંગ કરવા માટે સરકારી મંજુરી આપી છે. આ ઉપરાંત બંદર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તુટી ગયેલી જેટીના સમારકામ માટે પણ વહેલીતકે કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત, માછીમારોના અન્ય પ્રશ્નોમાં બોટ માલીકોને વર્ષોથી મળતા ડિઝલના ક્વોટામાં વધારો કરવો તેમજ અગાઉના સમયમાં જે ફીશીંગ બોટોને વેટમુક્ત ડિઝલ ખરીદી કરવા માટે કોઇપણ જીએફસીએ અને મંડળીના ડિઝલપંપ પરથી ખરીદી કરી શકતા હતા તે રીતે બોટ માલીકો ડિઝલની ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા કરવા, બોટ માલીકોને કેસીસી લોન સરળતાથી મળે, નાની હોડી ધારકોના જુના સબસીડીના પ્રશ્નો વર્ષ: ર૦૧૬-૧૭થી એન્જીનની સબસીડી બાકી રહી છે તે વહેલીતકે ચુકવવામાં આવે.
હાલ એફઆરપી હોડીઓમાં કેરોસીનના બદલે સરકારના આગ્રહના પગલે પેટ્રોલ-ડિઝલ વાપરવામાં આવે છે તો કેરોસીનની જેમ પેટ્રોલ-ડિઝલમાં પણ સબસીડી આપવામાં આવે. પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલી બોટના માલીકોને સહાય પેકેજ આપવામાં આવે આ તમામ પશ્ને સરકારમાં રજુઆત કરવામાં આવી હોવાની ચર્ચા માછીમાર આગેવાનોએ બોટ માલીકો સાથે કરી હતી.