પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) પાસેથી મળેલી માહિતી મુજબ, નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 24.01.2022 સુધી અટલ પેન્શન યોજના (APY) હેઠળ 71,06,743 સબ્સ્ક્રાઇબર્સની નોંધણી કરવામાં આવી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડો. ભાગવત કિસનરાવ કરાડ દ્વારા આ જાણકારી અપાઈ હતી.
વધુ વિગતો મુજબ છેલ્લા પાંચ વર્ષમાં APY હેઠળ નોંધાયેલા સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા નીચે મુજબ છે:
2016-17 | 2017-18 | 2018-19 | 2019-20 | 2020-21 |
23,98,934 | 48,21,632 | 57,12,824 | 68,83,373 | 79,14,142 |
આ અંતર્ગત, નાણાંમંત્રીએ વધુમાં જણાવ્યું કે અટલ પેન્શન યોજના (એપીવાય) એ ભારત સરકારની 9મી મે, 2015ના રોજ શરૂ કરવામાં આવેલી એક યોજના છે, જેનો ઉદ્દેશ્ય તમામ ભારતીયો, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં ગરીબો, વંચિતો અને કામદારો માટે સાર્વત્રિક સામાજિક સુરક્ષા વ્યવસ્થા બનાવવાનો છે.
આ યોજના 1લી જૂન, 2015થી ચાલુ થઈ અને PFRDA દ્વારા સંચાલિત કરવામાં આવે છે. તે 18-40 વર્ષની વય વચ્ચેના ભારતના એવા તમામ નાગરિકો માટે ખુલ્લી છે કે જેમનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત બેંક ખાતું છે.
આ યોજના હેઠળ પાંચ પેન્શન પ્લાન સ્લેબ ઉપલબ્ધ છે, જેમ કે રૂ. 1000, રૂ. 2000, રૂ. 3000, રૂ. 4000, અને રૂ. 5000 આપવાની ભારત સરકાર દ્વારા 60 વર્ષની વયે ગ્રાહકને ખાતરી આપવામાં આવે છે. સબ્સ્ક્રાઇબરના મૃત્યુ પર, ભારત સરકાર દ્વારા જીવનસાથીને સમાન પેન્શનની ખાતરી આપવામાં આવે છે, એમ ડો. ભાગવતે જણાવ્યું હતું.