પોતાની રીતે ખાસ પ્રકારની સ્ક્રિપ્ટ પસંદ કરનાર શાહિદ કપૂરની આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. જર્સી ફિલ્મ કે જે તેલુગુ ફિલ્મ જર્સીની હિન્દી રિમેક છે, જેમાં શાહિદ કપૂર લીડ રોલમાં જોવા મળશે.
શાહિદની સાથે આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર પણ જોવા મળશે. ફિલ્મને ડિરેક્ટ મૂળ ફિલ્મના ડિરેક્ટર એવા ગૌતમ તિનાનુરીએ કરી છે, જ્યારે સાઉથનાં સ્ટાર પ્રોડ્યુસર દિલ રાજુ અને નાગા વામસી સહિત અલ્લુ અરવિંદ અને અમાન ગિલે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે.
ફિલ્મની સ્ટોરી દિલ્હી સ્થિત અર્જુનની છે, જેણે ક્રિકેટ છોડ્યે ઘણાં વર્ષો થયા છે. પરંતુ ઘરેલુ પરિસ્થિતિને કારણે અને પોતાના પુત્રની આંખોમાં સ્ટાર બનવા માટે તે ફરીથી ક્રિકેટને અપનાવે છે. ફિલ્મમાં મૃણાલે તેમની પત્નીનો રોલ કર્યો છે.
તેલુગુ ફિલ્મમાં નાનીએ કર્યો હતો લીડ રોલ
તેલુગુ મૂળ ફિલ્મ જર્સીમાં નેચરલ સ્ટાર નાનીએ લીડ રોલ નિભાવ્યો હતો, જ્યારે શ્રધ્ધા શ્રીનાથે તેમની પત્નીનો રોલ કર્યો હતો. હિન્દી રિમેકમાં પહેલાં શાહિદની સાથે શ્રધ્ધા કપૂર જોવા મળશે, તેવી અફવાઓ હતી. સાથે જ તેલુગુ સ્ટાર રશ્મિકા મંદાના આ ફિલ્મથી હિન્દી ડેબ્યુ કરી શકે, તેવી પણ વાતો હતી. પરંતુ, અંતે મૃણાલ ઠાકુરને લીડ રોલ માટે પસંદ કરવામાં આવી.