વંદે ભારત ટ્રેન સાથે દર વખતે અજીબ કિસ્સાઓ જોડાતાં જાય છે, ત્યારે આજરોજ વધુ એક એવો કિસ્સો બનવા પામ્યો છે, જે સાંભળીને તમારા હોશ ઉડી જશે.
તાજેતરમાં શરૂ કરવામાં આવેલી રાજસ્થાનની વંદે ભારત સાથે આજરોજ એક અકસ્માત સર્જાયો છે. અલવરની નજીક વંદે ભારત એક્સપ્રેસનાં ટ્રેક પર ગાય આવી જતાં તે ફંગોળાઇ હતી અને નજીકમાં કુદરતી હાજત કરી રહેલાં એક વૃદ્ધ પર પડી હતી. આ ઘટનામાં ગાય અને વૃદ્ધ બંનેનાં મૃત્યુ થયા છે.
રેલવે ડિપાર્ટમેન્ટનાં રિટાયર કર્મચારી હતાં વૃદ્ધ
વધુ જાણકારી અંગે લોકલ પોલીસે જણાવ્યું છે કે મૃતકનું નામ શિવદયાળ શર્મા હતું, જે રેલવેનાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટનાં રિટાયર્ડ કર્મચારી હતા.
મહત્વનું છે કે, રાજસ્થાનની વંદે ભારત તાજેતરમાં શરૂ કરવામાં આવેલાં લેટેસ્ટ રૂટ પર ચાલી રહી છે, જે અલવરથી દિલ્હી સુધીની સફર કાપે છે. આ પહેલાં પણ અમદાવાદ-મુંબઇ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યા છે, જેના કારણે અમદાવાદથી મુંબઇ વચ્ચેનાં રેલ ટ્રેક્સની આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.