ઇડર ખાતે તાજેતરમાં આંગડિયા પેઢીના માણસને બંદુક બતાવી રૂપિયા 8 લાખ 61 હજાર 500ની લૂંટ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે ઘટના અંતર્ગત તપાસ હાથ ધરતાં આજરોજ તેમને સફળતા હાથ લાગી છે.
આ ચોરી કરનાર ટોળકીના સભ્યો પૈકી ચાર આરોપીને મુદ્દામાલની રોકડ રકમ રૂ. 40 હજાર તથા સોનાના દાગીના તથા કાચ જેવા હીરાના નાના નાના ટુકડાના પેકેટ નંગ-32 મળી કુલ રૂ. 1 લાખ 15 હજાર 900ના મુદામાલ સાથે પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુર સરસ્વતી નદીનાં પુલ નીચેથી ઝડપી લીધા હતા.
આ કેસમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. પાટણ તથા એસઓજી, પાટણ પોતાની ટીમ સાથે સિદ્ધપુર પોલિસ સ્ટેૃશન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા સારૂ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન તાજેતરમાં ઇડર ખાતે થયેલ આંગડીયા લૂંટને અંજામ આપનાર આરોપીઓ હાલમાં સિદ્ધપુરનાં બિંદુ સરોવર નજીક આવેલ સિદ્ધપુર નદીના પુલ નીચે ભેગા થયેલા છે, એવી બાતમી મળી હતી.
આ માહિતી મળતાં જ બે પંચના માણસો તથા પોલીસ સ્ટાફના માણસો સાથે સિદ્ધપુર-મહેસાણા હાઇવે રોડ ઉપર આવતા સરસ્વતી પુલ નીચે જતા પુલ નીચેથી ઠાકોર વન્દેસિંહ ઉર્ફે કાનજી ગોડાજી, ઠાકોર અશોકજી પ્રતાપજી, ઠાકોર ગોપાળજી સુજાજી, ઠાકોર પંકેશજી લવજી ઝડપાયા હતા. તેમને વિશ્વાસમાં લઇ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે તથા ઠાકોર ચેતનજી ઉર્ફ વિપુલજી વિનુજી તથા ઠાકોર કલ્પેશજી હીરાજીએ ભેગા થઇ આજથી બે દિવસ અગાઉ ઇડર શહેરમાં આંગડીયા લૂંટ કરેલી છે.
આ ઈસમોને ઝડપીને તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 40 હજાર તથા સોના જેવી પીળી ધાતુની ચેનનો ટુકડો કિંમત રૂપીયા 44 હજાર 900 તથા કાચ જેવા પ્રદાર્થના હીરા જેવા નાના મોટા ટુકડાના પેકેટ નંગ-32 કિંમત રૂપીયા 20 હજાર તથા મોબાઇલ નંગ – 04 કિંમત રૂ. 11 હજાર તથા એક હિરો કંપનીનુ એચએફ.ડીલકસ મોટર સાયકલ GJ-2-BL-3922 કિંમત રૂપીયા 25 હજાર મળી કુલ રૂપીયા 1 લાખ 15 હજાર 900નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
પાટણ પોલીસ દ્વારા પકડેલા આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તપાસ સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું.