જૂનાગઢમાં બાયપાસ ઉપર આવેલ એક હોટલમાં બે શખ્સોએ નશાની હાલતમાં ગાળો બોલીને હંગામો કરતા હતા ત્યારે ત્યાં જમવા ગયેલા એક પોલીસ કર્મીએ તેને ટપારતા આ બંને શખ્સોએ પોલીસ કર્મીઓને માર માર્યાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે.
જૂનાગઢમાં ગત રવિવારે રાત્રે 10:30 વાગ્યે બાયપાસ રોડ પર આવેલ દેશી પકવાન નામની હોટેલમાં જૂનાગઢનો ચિરાગ જેઠાભાઇ ગુંદાણી અને રાજકોટનો નરેશ સુંદરલાલ ચાંદરાણી નામના બે શખ્સો જમવા માટે ગયેલા હતા.
અહીં તેઓ નશાની હાલતમાં હતા અને ગાળો બોલતા હોવાથી તે સમયે હાજર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ નિતીન નામદે અને તેના મિત્રો પણ જમવા ગયેલા તેઓ આ ઈસમોને ગાળો બોલવાની ના પાડી હતી, જેથી ઉશ્કેરાઇને બંને શખ્સોએ પોલીસ કર્મી નીતિનભાઈને થપાટો મારી તેના મિત્રો મયુર રાજાણી પ્રદીપ વધવા રૂપેશભાઈ સાથે મારામારી કરી હતી.
આ ઘટના અંગે પોલીસ કર્મીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આમ જૂનાગઢમાં લુખ્ખા શખ્સોનો ભોગ ખુદ પોલીસ કર્મચારી બનતા ભારે ચકચાર મચવા પામી છે.