ગાંધીનગર: કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડો કર્યા બાદ ઘણાં રાજ્યોએ પણ પોતાની રીતે વેટ ઘટાડીને પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ઘટાડ્યા છે, ત્યારે ગુજરાત પણ તેમાંથી એક છે.
ગુજરાતમાં હાલમાં પેટ્રોલ 95 રૂપિયાની આસપાસ છે, જ્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં 110 રૂપિયા ભાવ છે, ત્યારે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીકનાં ગુજરાતનાં પેટ્રોલ-પંપ પર રાજસ્થાનનાં વાહનોની કતાર જોવા મળી હતી.
તેમાં પણ ખાસ કરીને ટ્રકચાલકોની લાઇન લાંબી છે. મહત્વનું છે કે, ટ્રકચાલકોને ટાંકી ફુલ કરાવતાં સહેજેય બે થી ત્રણ હજારનો ફાયદો થઇ જાય છે, જે તેમને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટાડવામાં કામ લાગે છે.
આ પહેલાં કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં જનતાને બોનસ આપ્યાની જેમ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ઘટાડ્યા હતા. જોકે, સરકારે લગભગ 20 રૂપિયા જેટલો ભાવ વધારીને તેમાં થોડોક ઘટાડો આપતાં જનતાએ તેને લોલીપોપ ગણાવી છે. ત્યારે શું પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડો સરકારને મદદ કરશે, તે જોવાનું છે.