પાટણ જિલ્લાનાં સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકામાં આવતી નર્મદા વિભાગ હસ્તકની નહેરોના પ્રશ્નોના સત્વરે નિકાલ કરવા રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ મંગળવારના રોજ મુખ્યમંત્રી અને સરદાર સરોવર નર્મદા નિગમનાં ડાયરેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
ધારાસભ્ય રધુભાઈ દેસાઈએ મુખ્યમંત્રી અને સરદાર સરોવર નર્મદા નિગમનાં ડાયરેક્ટર સમક્ષ પોતાનાં મત વિસ્તારના લોકોની રજૂઆત વર્ણવતા જણાવ્યું હતું કે, સાંતલપુર તાલુકાના નર્મદા નહેરના પાણીથી વંચિત 12 ગામો જેવા કે ધોકાવાડા, બરારા, જાખોત્રા, નવા જાખોત્રા, એવાલ, બકુત્રા, બાવરડા, આલુવાસ, પીપરાળા, ગરામડી, વૌવા, ચારણકાને કચ્છ શાખા નહેરમાંથી પાણી આપવામાં આવે.
આ ઉપરાંત, છેવાડા વિસ્તાર સુધી પાણી ન પહોંચતું હોઈ ડિસ્ટ્રીબ્યુટરીને પહોળી કરવી, કચ્છ શાખા નહેરના પાટણકા પાસેના ગેટ પાસેથી પરસુંદ ડિસ્ટ્રીબ્યુટરીમાં છેવાડે પાણીનું કનેક્શન કરવુ,રાધનપુર તાલુકાના મસાલી, લોટીયા, ઠીકરીયા અને સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામનો મોટા ભાગનો વિસ્તાર પિયત વિસ્તારના કમાન્ડ વિસ્તારમાં ન હોઈ તેને પિયત વિસ્તારમાં સમાવિષ્ટ કરવો,રાધનપુર પેટા શાખા નહેરની અંદાજીત સાંકળ 9500 મીટર પરથી નવી કેનાલ બનાવવા આવે જેથી મસાલી, અમીરપુરા, મધાપુરા,ગોકુળપુરા અને શાહપુર ગામોને પાણી મળી રહે.
સિનાડ ગામના ખેડૂતોને રાધનપુર પેટા શાખા નહેરની અંદાજીત સાંકળ 9500 મીટર પરથી સિનાડ ગામના તળાવને જોડાણ કરી અન્ડરગ્રાઉન્ડ કેનાલ આપવામાં આવે. જહુપુરા તથા અગિયાણા ગામના ડીકમાન્ડ સર્વે નંબરવાળા વિસ્તારને કમાન્ડ સર્વે નંબરમાં સમાવવામાં આવે.
નજુપુરા નજીક 500 નહેરમાં દર પી.આર.મીટર પર કુવા બનાવવા,ચલવાડા ગામના તળાવને રાધનપુર શાખા નહેરમાંથી જોઈન્ટ કરવામાં આવે. ભાડીયા, જેતલપુરા ગામની માઈનોર કેનાલને રાધનપુર પેટા શાખા નહેરમાંથી જોઈન્ટ આપવામાં આવે,સમી તાલુકાના સુખપુરા ગામને અમરાપુર શાખા નહેરમાંથી એક અલગ માઇનોર કેનાલ બનાવી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે.
તાલુકાની માંડવી ડિસ્ટ્રીબ્યુટરીમાંથી માંડવી માઈનોર-2 અને માંડવી માઈનોર-3માં અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન નાખી પાણી પહોચડવામાં આવે અને વિસ્તારના ગામ તળાવો ભરવામાં આવે જેથી આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોને ઘણો લાભ થઇ શકે તેમ હોવાની રજૂઆત મુખ્યમંત્રી અને સરદાર સરોવર નર્મદા નિગમનાં ડાયરેક્ટર સમક્ષ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવી હતી.