ગાંધીનાં ગુજરાતમાં જ્યાં દારૂબંધી હોવા છતાં, છાશવારે દારૂ પકડાય છે અને દારૂનો જથ્થો નાશ કરવામાં આવે છે, ત્યારે રાજકોટમાં તાજેતરમાં એવી ઘટના બની છે, જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચ ફરી નજરે ચઢી છે અને સમગ્ર પોલીસ બેડાને શરમમાં મૂક્યું છે.
સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સ્ટાફ પણ દારૂ પકડવા પહોંચી જતાં સનસનીખેજ વિગતો બહાર આવી છે. ઘટના મુજબ અમદાવાદથી દારૂ ભરેલો ટ્રક રાજકોટ બાજુ જતાં સાયલ હતો, ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાંચ તેમની હદ ન હોવા છતાં ત્યાં પહોંચી ગઇ હતી અને મહિલા પી.એસ.આઇ.ભાવના કડછા અને તેની ટીમના સુભાષ ગોરી, કિરપાલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા અને દેવા ધરજિયા સહિતની ટીમ ખાનગી કારમાં સાયલા પહોંચી ગઇ હતી.
સાયલાથી દારૂ ભરેલાં ટ્રકને રાજકોટ પોલીસ કમિશનરેટ વિસ્તાર માલિયાસણ નજીક એક હોટેલ પાસે રોકી દેવાઇ અને વહીવટ શરૂ કરાયો પણ ત્યાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી. સ્ટેટ મોનિટરિંગની ટીમ સામે સૌપ્રથમ તો ક્રાઇમ બ્રાંચના માણસોએ રોફ જમાવ્યો પરંતુ તેમની ઓળખ સામે આવતાં રાજકોટ પોલીસ ટીમને પરસેવો છૂટી ગયો હતો.
તાજા નિમણૂક પામેલા નિર્લિપ્ત રાયે લીધાં પગલાં
સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફે સેલમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા કડક અધિકારી નિર્લિપ્તરાયને સમગ્ર ઘટનાથી વાકેફ કરતા તેમણે દારૂ ભરેલાં ટ્રકના અપહરણ કરવા અંગે રાજકોટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની આવી હરકતને પગલે સમગ્ર ગુજરાત પોલીસ શરમમાં મૂકાઇ છે.
રાજકોટ પોલીસ આવા કાંડ માટે છે બદનામ
આ પહેલાં પણ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની કમિશન કાંડમાં બદલી કરી સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, પરંતુ તેમની સામે કોઇ જ એસીબી કે અન્ય તપાસ કે ગુનો દાખલ કરવામાં આવ્યો નથી