રાજકોટમાં તાજેતરમાં એક ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે, જેમાં શહેરની પ્રાઇવેટ હોસ્પિટલ મધુરમ હોસ્પિટલમાં દર્દીના સબંધીઓને સારવાર દરમિયાન રૂમની બહાર રહેવા કહેતા દર્દીના સંબંધીઓએ ડોક્ટર સાથે ઝઘડો કર્યો હતો.
આ ઘટના અંગે મળતી વધુ માહિતી મુજબ, લાપાસરીના એક દર્દીની સારવારમાં અડચણરૂપ બનતા સગાઓને ડોક્ટરે રૂમની બહાર જવાનું કહ્યું હતું. ત્યારે દર્દીના ચાર સગા ડોક્ટરને ગાળો દઇ, તમાચા ઝીંક્યા હતા. સાથે જ ડોક્ટરને મારી નાખવાની ધમકી આપતાં મામલો વધુ બિચક્યો હતો અને ડોક્ટરે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ડોક્ટર મોહિત સગપરીયાની ફરિયાદ અંતર્ગત ભક્તિનગર પોલીસે દશરથ શીવુભા ભટ્ટી, મહિપતસિંહ બહાદુરસિંહ ચૌહાણ, પ્રભાતસિંહ ઉર્ફ પ્રતાપસિંહ રામસિંહ ભટ્ટી અને એક અજાણ્યા સામે આઇપીસી 323, 504, 506 (2), 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.